November 25, 2024

સાત વર્ષના બાળકના અંગોનું દાન, બ્રેઇન ડેડ થતા પરિવારજનોનો નિર્ણય

Surat seven years old boy brain dead organ donation

સુરતના એક બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું

અમિત રૂપાપરા, સુરતઃ શહેરમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરતમાં અંગદાનની પ્રવૃત્તિ ખૂબ જ ઝડપથી આગળ પણ વધી રહી છે. ત્યારે સુરતમાં વધુ એક બાળકના અંગોનું દાન થયું છે. શહેરના સાત વર્ષના બાળકની બે કિડની અને લીવર સહિતના અંગોનું દાન જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાના પ્રયાસોથી કરવામાં આવ્યું છે.

વલસાડમાં રહેતા નિલેશભાઈ ખસતીયાનો દીકરો શિવમ સાત વર્ષનો હતો. તે ધૂળેટીના દિવસે સાંજના સમયે ઘરની બાલ્કનીમાં ક્રિકેટ રમતો હતો અને ત્યારે પહેલા માળની બાલ્કનીથી શિવમ દડો લેવા જતા જમીન પર પટકાયો હતો. ત્યારબાદ તાત્કાલિક જ પરિવારના સભ્યો શિવમને સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી મોટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ગેનીબેન ઠાકોરના વિધાનસભા અધ્યક્ષ પર નામ લીધા વગર પ્રહાર

બીજી હોસ્પિટલમાં શિવમને સારવાર માટે લઈ જવામાં આવતો હતો. ત્યારે રસ્તામાં જ તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. ત્યારબાદ તેને સીપીઆર આપવામાં આવ્યું હતું અને 108માં બાળકને બારડોલીની સરદાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સીટી સ્કેન કરતા બાળકને બ્રેઇન હેમરેજ થયું હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ તાત્કાલિક સર્જરી માટે સુરતની હોસ્પિટલમાં શિવમને લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં ફરી એક વખત બોગસ ડિગ્રીનું કૌભાંડ ઝડપાયું, 3ની ધરપકડ

હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા શિવમના મગજનું ઓપરેશન કર્યું હતું. જો કે, ત્યારબાદ પણ 48 કલાક બાદ શિવમની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. તેથી ડોક્ટરો દ્વારા શિવમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બાબતે જીવનદીપ સંસ્થાના સભ્ય દ્વારા શિવમના પરિવારના સભ્યોનો સંપર્ક કર્યો હતો. શિવમના પિતા, માતા, પિતરાઈ ભાઈ, મામા સહિતના પરિવારના સભ્યોને ઓર્ગન ડોનેશન બાબતે માહિતી આપવામાં આવી અને તમામ લોકો શિવમના અંગોનું દાન કરવા માટે રાજી થયા અને શિવમના લીવર તેમજ બંને કિડની દાન કર્યુ હતું.