સુરતનું સિયાલજ ગામ 48 કલાકથી બેટમાં ફેરવાયું, માલધારીઓ રોડ પર આવી ગયાં
સુરતઃ સમગ્ર જિલ્લામાં વરસાદના ઓરેન્જ એલર્ટ બાદ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને કારણે તારાજીના દૃશ્યો સામે આવ્યાં છે. માંગરોળ વિસ્તારમાં વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ છે.
કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પૂરની સ્થિતિ પેદા થઈ છે. નદીકાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સિયાલજ ગામ 48 કલાકથી બેટમાં ફેરવાયું છે. અન્ય ગામના માર્ગો પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે. સિયાલજના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ગામમાં પાણી ભરાતા લોકોના હાલ બેહાલ થયા છે. માલધારી પરિવારો પશુધન સાથે રોડ પર આવ્યા છે. ઘરવખરી સહિતનો સામાન પલળી જતા પરિવાર ચિંતામાં મૂકાયો છે.
કિમ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી ગાંડીતુર બની છે. કીમ-કઠોદરા ગાયકવાડી માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. માર્ગ નજીકની સોસાયટીઓમાં કીમ નદીના પાણી ભરાયા છે. ગત રાત્રે કીમ નદીના જળસ્તર વધતા લોકો ભયમાં મૂકાયા હતા. વરસાદે વિરામ લેતા કીમ નદીના પાણીમાં ઘટાડો થતા હાશકારો લીધો છે. તંત્ર અને સ્થાનિકોએ હાશકારો લીધો છે.
આ પણ વાંચોઃ 22 કલાકમાં 197 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના વાલિયામાં 6 ઇંચ
સુરત -ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદીમાં પૂર આવ્યા છે. ઓલપાડ તાલુકાના કઠોદરા ગામ બેટમાં ફેરવાયું છે. કઠોદરા ગામની સીમમાં શિવ સાંઈ સોસાયટી બેટમાં ફેરવાયું છે. રાતથી શિવ સાંઈ સોસાયટીમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું. સોસાયટીમાં જવાના રસ્તા બંધ થતા રહીશો ચિંતામાં મુકાયા છે. સ્થાનિક તંત્ર મદદ માટે પહોંચી તેવી સ્થાનિકોએ માગ કરી છે.