November 22, 2024

Suratમાં સ્માર્ટ મીટર મુદ્દે આક્રોશ, મોટી સંખ્યામાં લોકોનો વિરોધ

અમિત રુપાપરા, સુરતઃ સરકાર દ્વારા લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ કેટલીક જગ્યા પર સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવતું હોવાના કિસ્સાઓ પણ સામે આવતા હવે લોકો દ્વારા આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ ઠેર ઠેર જગ્યા પર થઈ રહ્યો છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રણુજા ધામ સોસાયટીમાં મોટી સંખ્યામાં મહિલા તેમજ લોકોએ એકઠા થઈને વિરોધ કર્યો હતો.

રણુજા ધામ સોસાયટીમાં લોકો દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે કે, સ્માર્ટ મીટર લગાવવા માટે પ્રતિબંધિત એરિયામાં સોસાયટીની લેખિત મંજૂરી વગર પ્રવેશ કરવો નહીં એટલે કે વીજ કંપનીના કર્મચારી જો સ્માર્ટ મીટર લગાવવા માટે આવે તો તેમને સોસાયટીની પહેલા લેખિતમાં મંજૂરી લેવી પડશે. ત્યારબાદ આ કામગીરી કરવી પડશે. જો કે, સોસાયટીના લોકોએ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કર્યો છે અને ચીમકી ઉચ્ચારી છે કે, જો કર્મચારીઓ અહીંયા મીટક લગાવવા આવશે અને ત્યારબાદ કોઈપણ ઘટના બનશે તો તેના જવાબદાર સોસાયટીના લોકો રહેશે નહીં.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ઝડપાયેલા આતંકવાદી મામલે શ્રીલંકા પોલીસે બે શંકાસ્પદની અટકાયત કરી

મહિલાઓનું કહેવું છે કે, સ્માર્ટ મીટરના કારણે વીજબિલ વધારે આવી રહ્યું છે અને વર્તમાન સમયમાં મોંઘવારી સતત વધી રહી છે. આવી પરિસ્થિતિમાં હાલના મીટરના પણ જે બિલ આવી રહ્યા છે તે પણ ભરવા મુશ્કેલ છે. તેમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો ઘરનો ખર્ચો વધી શકે છે. આ ઉપરાંત સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવતી નથી. એક તરફ બાળકોને ભણાવવા મોંઘવારીના સમયમાં મુશ્કેલ થઈ ગયા છે. ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે, તેવામાં જો સ્માર્ટ મીટર ઘરે લાગશે તો ઘરના ખર્ચા વધુ વધી જશે અને એટલા માટે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી. અમારે જૂના મીટર છે તે યોગ્ય છે.

આ ઉપરાંત સોસાયટીના લોકો દ્વારા સ્માર્ટ મીટર લગાવવા બાબતેની વાંધા અરજી પણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને લખવામાં આવી છે. તમામ લોકો સાથે મળીને આ વાંધા અરજીઓ પણ વીજ કંપનીના એમડીને સુપરત કરશે અને ઘરે સ્માર્ટ મીટર વીજ કર્મચારી દ્વારા ન લગાવવામાં આવે તેવી રજૂઆત લોકો દ્વારા કરવામાં આવશે.