November 25, 2024

ઉમરપાડામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો

સુરતઃ જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ પેદા થઈ છે. ઉમરપાડામાં ચાર કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ભારે વરસાદને પગલે નદી-નાળા ઓવરફ્લો થઈ ગયા છે. ઉમરપાડા અને માંડવી તાલુકાને જોડતા 16 રસ્તા બંધ થઈ ગયા છે. બે ગામને જોડતા રસ્તા અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદને પગલે ઉમરપાડા અને માંડવી તાલુકાના 22 ગામ અસરગ્રસ્ત થયા છે. ઉમરપાડાના 10 અને માંડવીના 6 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને પગલે કેટલાક ગામો સંપર્કવિહોણા થયા છે.

નર્મદાની મોહન નદીમાં પૂર
ડેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે વહેતી મોહન નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવો બનાવવામાં આવેલો મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નદીમાં પૂરની સ્થિતિને કારણે નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાયા નથી. ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સર્જાય છે.