November 25, 2024

સુરતના કડોદરામાં 40 દિવસથી પીવાના પાણી વગર તરસે છે લોકો

સુરત: ગુજરાતને વિકાસના મોડલ તરીકે ઓળખાવામાં આવે છે. ત્યારે આ વિકાસની વાતો વચ્ચે કડોદરા નગરપાલિકાની હદમાં પાણીની સમસ્યાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. નગરપાલિકાની હદમાં આવેલી સોસાયટીના રહીશોને છેલ્લા 40 દિવસથી પીવાનું પાણી નથી મળ્યુ. જેને લઈને સોસયટીની મહિલાઓએ પાલિકાના પહોંચી છે.

કડોદરા નગરમાં સરદાર સોસાસટીમાં છેલ્લા 40 દિવસથી વધુ સમય વિતી ગયો હોવા છતાં પીવાનું પાણી નહીં મળતાં 100 જેટલા ઘરોમાં લોકોને પાણીની મોટી અગવડ ઊભી થઈ છે. નોંધનીય છેકે, પાણીની લાઈનમાં સમસ્યા ઊભી થતાં પૂરતા પ્રેશર સાથે પાણી નથી મળી રહ્યું. નગરપાલિકા દ્વારા બેથી ત્રણ જગ્યાએ ખોદકામ કરી પાણીની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

સરદાર સોસાયટીમાં હાલમાં રોડથી સામે બાજુ એટલે નગરપાલિકા પાસે આવેલ ટાંકીમાંથી પાણી પહોંચાડવામાં આવેલ છે. આ પાણીની લાઈન અંડરપાસની નીચેથી પસાર કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જો અંડરપાસ નીચે લાઈનમાં કોઈ પ્રકારની સમસ્યા ઊભી થાય તો તેનું નિરાકરણ લાવવું શક્ય નથી. જેને લઈ પૂરતા પ્રેશર સાથે પાણી સોસાયટીના રહીશોના ઘર સુધી પહોંચતું નથી. આ ગંભીર સમસ્યા બાબતે નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ લાવી શકાય તેવી સ્થિતિ તો હાલ દેખાતી નથી. અનેક પ્રયત્નો છતાં આ બાબતે કોઈ રસ્તો પાલિકા દ્વારા કરવામાં આવ્યો જ નથી.

હાલ રાજ્યમાં ધીમેધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે આ 40 દિવસ સુધી પાણી નહી આવવાની સમસ્યા વાળી સ્થિતિ વધુ વિકટ બને એમ છે. એ ઉપરાંત હાલ એવી પણ સમસ્યા જોવા મળી છે કે સરદાર સોસાયટીમાં પાણી તો આવે છે પણ પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી. કેટલાક ઘરોમાં મોટર મૂકી પાણી ખેંચી લેવામાં આવે છે. જેને લીધે અન્ય ઘરોમાં પાણી પહોંચતું નથી. મોટર મૂકી પાણી ખેંચી લેતા ઘર માલિકો સામે પગલાં લેવામાં પણ નગરપાલિકા અસમર્થ જોવા મળી છે.