દાદીને શ્રદ્ધાંજલિ આપવા 15 વર્ષીય જુડવા બહેનોએ કર્યું વાળનું દાન
વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ શહેરમાં રહેતી 15 વર્ષની બે ટ્વીન્સ બહેનો દ્વારા કેન્સરના જીવલેણ રોગથી મોતને ભેટેલા દાદીને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. આ ટ્વીન્સ બહેનો દ્વારા વાળ કેન્સર પીડિત દર્દીઓ માટે દાન કરી પરિવાર તેમજ સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ સાથે સમાજના દરેક લોકોને નવી રાહ ચીંધી છે.
સુરેન્દ્રનગર શહેરના અલ્કાપુરી વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષની ટ્વીન્સ બહેનો નિધી અને નેહાના દાદીમાનું થોડા સમય પહેલાં કેન્સરની જીવલેણ બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું હતુ. ત્યારે બંને ટ્વીન્સ બહેનો દ્વારા દાદીમાને શ્રદ્ધાંજલિ આપવા કંઇક અનોખું કાર્ય કરવાનો નિર્ધાર કર્યો હતો. દાદીમાની કેન્સરની સારવાર દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે, કેન્સરની બીમારી દરમિયાન દર્દીઓનાં વાળ જતાં રહે છે. તેના કારણે ખાસ કરીને કેન્સર પીડિત મહિલા દર્દીઓની હાલત કફોડી બની જાય છે. ત્યારે આવા કેન્સર પીડિત દર્દીઓ માટે વાળનું દાન કરવાનો સંકલ્પ બંને બહેનોએ કર્યો હતો. જેને તેમના માતાપિતા અને સમગ્ર પરિવારે વધાવી લીધો હતો.
સામાન્ય રીતે આજના ફેશનના સમયમાં યુવાન દીકરીઓ વાળ અને મેકઅપ સહિતની બાબતો પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે. ત્યારે આ બંને ટ્વીન્સ બહેનો દ્વારા વાળ કેન્સરપીડિત દર્દીઓ માટે દાન કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. આ રીતે તેમણે દાદીને પણ સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આ બંને દીકરીઓ દ્વારા દાન કરવામાં આવેલા વાળ કેન્સરપીડિત દર્દીઓ માટે કામ કરતી સેવાભાવી સંસ્થાને આપવામાં આવ્યા છે અને આ સેવાભાવી સંસ્થા દ્વારા આ વાળમાંથી વીગ બનાવી કેન્સરપીડિત દર્દીને નિઃશુલ્ક આપવામાં આવશે. સુરેન્દ્રનગરની આ ટ્વીન્સ બહેનો દ્વારા દાદીને આવી અનોખી શ્રદ્ધાંજલિ આપી સમગ્ર સમાજને એક નવી રાહ ચીંધી છે.