Surendranagarની છેવાડાની સોસાયટીઓમાં પાણીની સમસ્યા, પરિવારોને હાલાકી
વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લાની નગરપાલિકાની વિસ્તારમાં આવેલા વઢવાણ-કોઠારીયા રોડ પરની છેવાડાની સોસાયટીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી પાલિકા તંત્ર દ્વારા પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવતા અનેક પરિવારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલા વઢવાણ-કોઠારીયા રોડ પર આવેલી સુડવેલ સોસાયટી સહિતની છેવાડાના વિસ્તારની સોસાયટીઓમાં પીવાના પાણી તેમજ ગટર રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આ વિસ્તારની સોસાયટીના લોકોને પાણી પણ ચાર પાંચ દિવસે અનિયમિત આવતું હોવાનું અને ટાઈમસર ન આવતું હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વિધિવત્ ચોમાસાનો પ્રારંભ, જાણો કઈ તારીખે ક્યાં વરસાદની આગાહી
આ સોસાયટીઓના ટેન્કર મગાવે છે અથવા વેચાતું પાણી લાવે છે. જ્યારે આ વિસ્તારની સોસાયટીઓમાં પીવાના પાણીની લાઈન સાથે ગટરના પાણી ભળી જતા ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જ્યારે અનેક વખત પાલિકા કચેરીએ રજૂઆત કરવા છતાં છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોને પાણી રોડ રસ્તા ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને અહીંના ચૂંટાયેલા સદસ્યો સહિત રાજકીય આગેવાનોને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સ્થાનિક લોકોનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે તેઓ મત માગવા આવે છે પછી મત લઈ ગયા પછી કોઈ આગેવાન કે હોદ્દેદારો આ વિસ્તારમાં દેખાતા નથી.
આ પણ વાંચોઃ દ્વારકાના મોજપ દરિયાકિનારેથી ફરીવાર લાખોનું ડ્રગ્સ ઝડપાયું, ત્રણ દિવસમાં બીજી ઘટના
આ અંગે સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સાગરરાડીયા દ્વારા જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારોમાં પાણીનું પ્રેશર ન હોવાનું જણાય આવ્યું હતું અને ઉનાળો ખેંચાતા હોવાથી અમુક વિસ્તારમાં પાણીની તકલીફો પડી રહી છે જેની તાત્કાલિક નિકાલ કરી અને કામગીરી કરવામાં આવશે.