November 27, 2024

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કર્યો હવાઈ હુમલો, લાલઘૂમ તાલિબાને લઈ લીધો બદલો

પાકિસ્તાન: અફઘાન પ્રાંતમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ તાલિબાને પાકિસ્તાની પ્રતિનિધિમંડળની કંદહારની મુલાકાત રદ કરી છે. તાલિબાન સરકારનું કહેવું છે કે 10 મેના રોજ પાકતિકામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાની પ્રતિનિધિમંડળની મુલાકાત રદ કરવામાં આવી છે.

અફઘાનિસ્તાનના કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સરકારનું એક સત્તાવાર પ્રતિનિધિમંડળ રવિવારે કંદહારની મુલાકાતે આવવાનું હતું. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ હોવા છતાં, કંદહાર તાલિબાન ચળવળની વૈચારિક રાજધાની છે. તાલિબાનનો અમીર હાલમાં કંદહારમાં રહે છે.

તાલિબાન પર પાકિસ્તાનના ગંભીર આરોપો
તાલિબાન અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના લડાયક એકમ ‘તશ્કિલ’ને નિશાન બનાવીને ડ્રોન હુમલો કર્યો હતો. આતંકવાદી સંગઠન ટીટીપી અંગે પાકિસ્તાન લાંબા સમયથી કહે છે કે આ સંગઠન અફઘાનિસ્તાનથી ચાલે છે. જો કે અફઘાનિસ્તાન આ આરોપને નકારે છે.

સૂત્રોનું કહેવું છે કે 10 મેની સવારે પાકિસ્તાને કરેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. જો કે, હુમલાની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાને સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે તેણે 18 માર્ચ, 2024 ના રોજ સરહદ પાર TTP સ્થાનોને નિશાન બનાવ્યા હતા.

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી પાકિસ્તાનની સરકાર સામે લડતું સૌથી મોટું આતંકવાદી સંગઠન છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર હજારો ટીટીપી લડવૈયાઓ હાજર છે, જેઓ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ ‘યુદ્ધ’ ચલાવી રહ્યા છે. TTPની સ્થાપના પાકિસ્તાની સેનાનો સામનો કરવા માટે 2007માં અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર TTPમાં લગભગ 30-35 હજાર લડવૈયાઓ છે. પાકિસ્તાન ટીટીપીને ખતમ કરવા માટે સમયાંતરે હવાઈ હુમલાઓ કરતું રહે છે.