November 24, 2024

તાલિબાનનું નવું ફરમાન, મહિલાઓને ઘરની બહાર બોલવા પર લગાવ્યો પ્રતિબંધ

Afghanistan: અફઘાનિસ્તાનમાં મહિલા વિરોધી ફરમાનોનું લિસ્ટ સતત વધી જ રહ્યું છે. હવે તાલિબાન સરકારે અહીં મહિલાઓને લઈને વધુ એક નવું ફરમાન લાગુ કર્યું છે. મહિલાઓને ઘરની બહાર બોલવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મહિલાઓએ જાહેર સ્થળોએ હંમેશા પોતાનું શરીર અને ચહેરો ઢાંકવો પડશે.

“મહિલાના અવાજથી પુરુષનું મન વિચલિત થઈ શકે છે”
તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્લાહ અખુન્દઝાદાએ નવા કાયદાને મંજૂરી આપતા કહ્યું હતું કે મહિલાઓના અવાજથી પુરુષોનું મન વિચલિત થઈ શકે છે. તેથી તેમને જાહેરમાં બોલવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સિવાય તાલિબાને આ કાયદાઓને હરામ અને હલાલની શ્રેણીમાં વહેંચી દીધા છે. નવા કાયદા અનુસાર મહિલાઓ માટે ઘરમાં મોટા અવાજે ગાવા અને વાંચવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કાયદાનો ભંગ કરનાર કોઈપણ મહિલા કે યુવતીને આકરી સજા કરવામાં આવશે.

પુરુષો માટે પણ તાલિબાનનું ફરમાન
તો, તાલિબાને પુરુષોને લઈને પણ ફરમાન જાહેર કર્યું છે. જેમાં, ઘરની બહાર નીકળતી વખતે પુરુષોએ ઘૂંટણ સુધી શરીર ઢાંકવા કહેવાયું છે. તેમજ કોઈપણ જીવિત વ્યક્તિના ફોટા પડવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. તાલિબાનના આ કાયદાની સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર સંસ્થાઓ દ્વારા ટીકા કરવામાં આવી છે.

જાહેર સ્થળો પર મહિલાઓ માટે લગાવ્યો પ્રતિબંધ
આ પહેલા, તાલિબાન સરકારે અફઘાનિસ્તાનના મધ્ય બમિયાન પ્રાંતમાં બંદ-એ-અમીર નેશનલ પાર્કમાં મહિલાઓના જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ગત વર્ષે તાલિબાની અધિકારીઓએ મોટાભાગની છોકરીઓની માધ્યમિક સ્કૂલો બંધ કરી દીધી હતી. તો સાથે સાથે, મહિલાઓને યુનિવર્સિટીમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી અને ઘણી મહિલા અફઘાન સહાય કર્મચારીઓના કામ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાથરૂમ, જીમ અને પાર્ક સહિત અનેક જાહેર સ્થળો મહિલાઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

આ નિર્ણયો પર શું કહે છે તાલિબાન?
તાલિબાન છેલ્લા ઘણા સમયથી દલીલ કરી રહ્યું છે કે તેઓ ઇસ્લામિક કાયદા અને અફઘાન રીતરિવાજોના જૂથના અર્થઘટન અનુસાર મહિલાઓના અધિકારોનું સન્માન કરે છે. તે અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે.