May 17, 2024

J&K: પુંછમાં હેડ માસ્ટરની ધરપકડ, પાકિસ્તાની પિસ્તોલ અને બે ચાઈનીઝ ગ્રેનેડ મળી આવ્યા

Terror Network: જમ્મુ વિભાગના પુંછ જિલ્લામાં પોલીસ અને સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે રવિવારે એક હેડમાસ્ટરની ધરપકડ કરી હતી, જેઓ OGW તરીકે આતંકવાદીઓ માટે કામ કરતા હતા. તેની પાસેથી પાકિસ્તાની પિસ્તોલ અને બે ચાઈનીઝ ગ્રેનેડ પણ મળી આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે, પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં રવિવારે સેનાના 6 સેક્ટરના 39 આરઆર, ફોર્સ અને પોલીસ અને એસઓજી પુંછ સાથે હરિ બુધામાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કમરુદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી, જે આતંકવાદીઓ સાથે ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW) તરીકે કામ કરી રહ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં વિક્ષેપ પડી શકે છે
પકડાયેલો કમરૂદ્દીન એક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે નોકરી કરે છે. તપાસ દરમિયાન તેના ઘરેથી પાકિસ્તાની બનાવટની પિસ્તોલ અને બે ચાઈનીઝ ગ્રેનેડ મળી આવ્યા હતા. આ કન્સાઇનમેન્ટનો ઉપયોગ પૂંછ પ્રદેશમાં આગામી ચૂંટણીમાં ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવ્યો હોવાની આશંકા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

રિયાસીમાં આતંકવાદીઓનું ઠેકાણું નષ્ટ, બે IED મળી આવ્યા
આ પહેલા શનિવારે રિયાસી જિલ્લાના ડલ્લાસ બરનેલી વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાને નષ્ટ કરીને ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું.આ ઠેકાણામાંથી બે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) અને અન્ય વિસ્ફોટકો મળી આવ્યા છે. એક IED ટેપ રેકોર્ડર સાથે અને બીજો કેલ્ક્યુલેટર સાથે જોડાયેલ હતો. નોંધનીય છે કે, રિયાસી જમ્મુ સંસદીય બેઠકનો ભાગ છે.

એક સપ્તાહ પહેલા મહોરમાં આતંકીઓનું ઠેકાણું તોડી પાડવામાં આવ્યું હતું
રિયાસી જિલ્લાના મહોરના લાંચા વિસ્તારમાં 13 એપ્રિલના રોજ સુરક્ષા દળોએ આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો હતો અને એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), બે પિસ્તોલ, 400 ગ્રામ વિસ્ફોટક પાવડર, કારતુસ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી. આઈઈડી ટિફિન બોક્સમાં સંતાડવામાં આવ્યો હતો.