September 8, 2024

જ્યાં શિવ-પાર્વતીના લગ્ન થયા હતા ત્યાં જ સુરતના યુગલે કર્યા લગ્ન

અમિત રૂપાપરા, સુરત: કેદારનાથને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. ત્યારે દરેક વ્યક્તિના જીવનમાં એક ઈચ્છા હોય છે તેઓ કેદારનાથ જઈને ભગવાન શિવના દર્શન કરી શકે. ત્યારે સુરતના એક દંપતીએ કેદારનાથની પવિત્ર ભૂમિ પર ભગવાન શિવ અને પાર્વતીજીના જ્યાં લગ્ન થયા હતા ત્યાં લગ્ન યોજ્યા હતા. દરેક યુવતીની લગ્ન પહેલા એવી ઈચ્છા હોય છે કે જીવનમાં એક વખત યાદગાર ક્ષણ થાય તે પ્રકારે તેના લગ્ન થાય અને બસ આ જ ઈચ્છા સુરતના આ યુગલની પૂર્ણ થઈ અને લાઈફ ટાઈમની યાદગીરી તેમના આ કેદારનાથના લગ્ન બની ગઈ છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ગુપ્ત કાશી ગણવામાં આવતા ત્રિયુગી નારાયણ મંદિરમાં થયા હતા. ભગવાન શિવના લગ્નમાં ભગવાન વિષ્ણુએ માતા પાર્વતીના નાના ભાઈની તેમજ બ્રહ્માજીએ પૂજારીની ભૂમિકા ભજવીને ભગવાન ભોળાનાથના લગ્ન કરાવ્યા હતા. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આ ત્રિયુગી નારાયણ મંદિર આવેલું છે. અનેક કુદરતી આફતો વચ્ચે પણ આ મંદિર અડીખમ ઊભુ જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતના યુગલે આ પવિત્ર જગ્યા પર લગ્ન સમારોહ યોજીને લગ્નજીવનની ક્ષણને ખૂબ જ યાદગાર ક્ષણ બનાવી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ રિવર ડ્રાઇવમાં મનસ્વી ટેલર તેના પરિવાર સાથે રહેતી હતી. મનસ્વીને તેના મિત્ર સર્કલમાં જ સૂચિત કહાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. 8 વર્ષ બંને વચ્ચે પ્રેમ સંબંધ રહ્યા બાદ સૂચિત દ્વારા પોતાના પરિવારના સભ્યોને તેના પ્રેમ સંબંધ બાબતે જાણ કરવામાં આવી હતી અને સૂચિતના પરિવારના સભ્યો પણ આ પ્રેમ લગ્ન માટે રાજી થઈ ગયા હતા. ત્યારબાદ સૂચિતના પિતા રમણભાઈ અને માતા રક્ષાબેન તેમજ અન્ય પરિવારના સભ્યો લગ્નની વાત લઈને મનસ્વીના ઘર પર ગયા હતા અને ત્યારબાદ મનસ્વીના પિતા શૈલેષભાઈ અને અન્ય પરિવારના સભ્યો પણ લગ્ન માટે રાજી થયા હતા. મનસ્વીના પિતા શૈલેષભાઈ મનમાં એક સંકલ્પ કર્યો હતો કે દીકરી મનસ્વીના લગ્ન તેઓ જે જગ્યા પર ભગવાન શિવ અને માતા પાર્વતીજીના લગ્ન થયા છે ત્યાં કરશે અને હવે આ સંકલ્પ પૂરો થવાનો હતો કારણ કે દીકરીના લગ્નની વાત ઘર આંગણા સુધી આવી ગઈ હતી.

મનસ્વીના પિતા શિવ કથા સાંભળતા હતા તે જ સમયે ભગવાન શિવના લગ્નનો પ્રસંગ સાંભળીને મનોમન નિશ્ચય કરી લીધો હતો તે દીકરીના લગ્ન તો તેઓ કેદારનાથમાં ત્રીયુગી મંદિરમાં જ કરાવશે અને ત્યારબાદ મનસ્વી જ્યારે નાની હતી તે સમયે કેદારનાથ ભગવાન શિવના દર્શન કરવા જવાનું થયું અને ત્યારે ભગવાન શિવની પવિત્ર ધરતીમાં અન્ય યુગોલોને લગ્ન કરતા જોયા હતા અને હવે જ્યારે પોતાની દીકરીને જ આ પવિત્ર જગ્યા પર પરણાવવાનો વારો આવ્યો. ત્યારે પિતા શૈલેષભાઈ દીકરીના લગ્નની તૈયારીમાં લાગી ગયા હતા.

દીકરીના લગ્ન માટે કેદારનાથમાં હોટલ બુકીંગથી લઈને તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. કન્યા પક્ષ અને વર પક્ષના 150 જેટલા લોકોએ કેદારનાથની પાવનભૂમિ પર આ લગ્ન યોજ્યો હતો. જેમાં હોટલથી સૂચિતનો વરઘોડો ત્રીયુગી મંદિર સુધી યોજાયો હતો અને જે પવિત્ર હવન કુંડની સાક્ષીએ ભગવાન શિવ અને માતા પાર્વતીજીએ સાથ નિભાવવાનો સંકલ્પ કર્યો હતો. તે જ હવન કુંડની સાક્ષીએ સૂચિત અને મનસ્વીય પણ સાત જન્મ સાથે રહેવાનો નિર્ધાર કર્યો છે.

સૂચિત કહાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે મનસ્વીના પિતા શૈલેષભાઈ અને પરિવારના સભ્યો દ્વારા લગ્ન સ્થળની જાણ કરવામાં આવી ત્યારે અમે પણ ખૂબ ચૌકી ગયા હતા કારણ કે અમે ક્યારેય પણ વિચાર્યું ન હતું કે લગ્ન આટલી પવિત્ર જગ્યા પર થશે અને બસ લગ્ન સ્થળની વાત સાંભળતા જ તમામ લોકોમાં ખુશીનો પાર ન રહ્યો અને તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત હતા કે ભગવાન શિવના ધામમાં લગ્ન પ્રસંગ યોજાવાનો છે.

મનસ્વી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમને ખૂબ જ સારા પુણ્ય કર્યા હશે અને એટલા માટે જ તેમના પિતા થકી તેમને લગ્નનો મોકો ભગવાન શિવની પાવન ધરતીમાં મળ્યો. આ ઉપરાંત મનસ્વી દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે લગ્ન માટે તેઓ સુરતથી રવાના થયા ત્યારે એક દિવસ પહેલા જ ભુસ્ખલનના કારણે ભગવાન શિવના દર્શન બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ જ્યારે મનસ્વી અને તેના પરિવારના સભ્યો લગ્ન માટે કેદારનાથ પહોંચ્યા ત્યારે ભગવાનના દર્શન ખુલી ગયા હતા અને લગ્ન બાદ તેઓ જ્યારે સુરત આવ્યા એના એક દિવસ બાદ જ કેદારનાથમાં ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે મનસ્વી એવું પણ જણાવ્યું હતું કે, અમે ખૂબ સારા પુણ્ય કર્યા હશે એટલા માટે જ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર અમારા લગ્ન સંપન્ન થયા.