આગની ઘટના સામે બોટાદ નગરપાલિકાનું ફાયર વિભાગ બની શકે છે પાંગળું! જાણો કેમ
બોટાદ: ફાયર સેફટીને લઈને છેલ્લા કેટલાય સમયથી વહીવટી તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ, બોટાદ નગરપાલિકામાં તો ઊંધું ચિત્ર જોવા મળ્યું. બોટાદ નગરપાલિકા ફાયર વિભાગમાં 5 માંથી માત્ર 1 વાહન કાર્યરત હોવાનું જોવા મળ્યું હતું. અન્ય 4 વાહનો રિપેરિંગના કારણે હાલ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જિલ્લામાં જો કોઈ મોટી આગની ઘટના બને તો ફાયર વિભાગ પાસે હાલ એવી કોઈ વ્યવસ્થા નથી જેના દ્વારા આગ પર ઝડપથી નિયંત્રણ મેળવી શકાય. સરકારમાં નવા વાહન માટે રજૂઆત કરવામાં આવી હોવાનું ઈન્ચાર્જ ફાયર ઓફિસર તેમજ નગરપાલિકાના મુખ્ય અધિક્ષક કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું છે. તો જિનિંગ એસોસિએશનના પ્રમુખ દવાફર પણ આ વાતને ગંભીર ગણાવી સરકારમાં એસોસિએશન દ્વારા રજૂઆત કરવાનું જણાવ્યું છે.
બોટાદ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા કુલ નાના-મોટા મળી 5 ફાયરના વાહનો છે. જેમાંથી 4 વાહનો રિપેરિંગના અભાવે હાલ બંધ હાલતમાં છે અને માત્ર 1 વાહન કાર્યરત છે. બોટાદ નગરપાલિકા પાસે 2500 લીટર પાણી વાળા 2 અને 12 હજાર લીટર પાણી વાળા 3 વાહનો હતા જેમાં થી હાલ માત્ર 12 હજાર લીટર પાણી વાળું વાહન શરૂ છે. બોટાદ ઈન્ચાર્જ ફાયર ઓફિસર દ્વારા જણાવેલ કે રિપેરિંગના કારણે 4 વાહનો બંધ છે. અને એક વાહન માં આશરે 10 લાખ જેટલો ખર્ચ છે. ત્યારે હાલ તો વાહનો બંધ છે તેમજ આગામી ઓક્ટોબર મહિનામાં આ તમામ વાહનોનું પાસિંગ પણ પૂર્ણ થવાનું છે તમામ 4 વાહનો 15 વર્ષ પૂર્ણ થશે અને બાદમાં તેનું પાસિંગ પણ થઈ શકશે નહીં.
તેમજ જિલ્લામાં ફાયરને લઈ ફાયર અધિકારી દ્વારા જણાવ્યું કે જિલ્લામાં બરવાળા તેમજ ગઢડામાં પણ હાલ ફાયર વાહન બંધ છે અને જિલ્લામાં 1 માત્ર વાહન શરૂ હોય જો આગ લાગે તો કાબુ કરી શકાય નહીં તેમજ આ મોટું વાહન હોય અને જો સાંકડા રસ્તામાં આગ લાગે તો પણ ફાયરનું આ વાહન ત્યાં પહોંચી શકે નહીં. ત્યારે, નવા વાહન ફાળવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવેલ છે તેવું જણાવેલ. ત્યારે હાલ તો બોટાદ જિલ્લામાં કપાસની સિઝનની શરૂઆત સાથે દિવાળી નો તહેવાર પણ આવતો હોય જો કોઈ આગ ની ઘટના બને તો મોટી દુર્ઘટના સર્જાય શકે છે.
બોટાદ નગરપાલિકા ના મુખ્ય અધિક્ષક કર્મચારી દ્વારા જણાવવામાં આવેલ કે જિલ્લામાં 1 માત્ર ફાયર વાહન છે અને બીજા વાહન રિપેરિંગના કારણે બંધ છે. ત્યારે, હાલ તો સરકારમાં રજૂઆત કરેલ છે અને આગામી દિવસો બોટાદ નગરપાલિકાને ફાયર વાહન મળે તેવા પ્રયત્ન કરવામાં આવેલ છે. તેમજ જો જિલ્લામાં મોટી કોઈ આગ લાગે તો અન્ય જિલ્લાના 50 કિલોમીટરના અંતરેથી ફાયરનો મદદ લેવુ પડે તેવું જણાવેલ.
બોટાદ જીલો કોટનના વ્યવસ્થા સાથે ખૂબ જોડાયેલ છે. બોટાદ જિલ્લામાં નાના-મોટા મળી કુલ 100થી વધુ જિનિંગ મિલ તેમજ 100થી વધુ ઓઈલ મિલ અને 6 જેટલા સ્પિનટેક્સના કારખાના આવેલ છે. ત્યારે, બોટાદ જિલ્લા જિનિંગ એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવેલ કે કપાસમાં આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાય શકે. ત્યારે, બોટાદ જિલ્લામાં જો એકમાત્ર ફાયર વાહન હોય તો આગ સમયે મોટું નુકસાન થાય અને જિલ્લામાં દર વર્ષે કોટનની સિઝન દરમ્યાન અને દિવાળીમાં આગની નાની મોટી ઘટના બનતી હોય છે. ત્યારે, તાત્કાલિક ધોરણે બોટાદ નગરપાલિકાને ફાયર વાહન મળે તેના માટે જિનિંગ એસોસિએશન દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવું જણાવેલ.