જૂનાગઢ : તોડકાંડની તપાસ હવે ATSને સોંપાઈ
જૂનાગઢમાં પોલીસ અધિકારીઓના તોડકાંડની તપાસ હવે ગુજરાત ATSને સોંપાઈ છે. ગઈકાલે આ કેસમાં PI અરવિંદ ગોહિલ, PI તરલ ભટ્ટ અને ASI દીપક જાની સામે ગુનો નોંધાયો છે. તેઓએ ખોટી નોટિસો કાઢીને કેરળના વેપારી પાસેથી ખંડણી માંગી હતી. જે બદલ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
માહિતી અનુસાર પોલીસ કર્મચારીઓએ ખોટી નોટિસો કાઢી રેકોર્ડ ઊભું કર્યું. જે બાદ SOG દ્વારા કેરળના એક વેપારીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે 25 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જેને લઈ વેપારીએ જૂનાગઢ રેન્જ આઈ.જી નો સંપર્ક કર્યો હતો અને પોલીસ અધિકારીઓ સામે અરજી આપી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને રેન્જ આઈજી નિલેશ ઝાઝડીયાએ સૌ પ્રથમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધ હતી. એ બાદ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં બંને પીઆઈ અને ASIને સસ્પેન્ડ કરી દીધા હતા. આ સાથે પોલીસ કર્મીઓના નિવેદનો લેવાની કાર્યવાહી કરાઈ હતી. જેની તપાસમાં જાણવા મળ્યું કે પોલીસ અધિકારીઓએ અરજદારને ઈડીના નામની પણ ધમકી આપી હતી.
PI તરલ ભટ્ટનું નામ પહેલાથી જ ગુજરાત પોલીસમાં ગેરરીતિ અને પોતાના હોદ્દાનો દુર ઉપયોગ કરવામાં બહાર આવી ચૂક્યું છે. વર્ષ 2003માં તરલ ભટ્ટ અમદાવાદમાં કામ કરી રહ્યા હતા. એ સમયે 2000 કરોડના સટ્ટાકાંડમાં પણ તરલ ભટ્ટની ભૂમિકા હોવાની શંકા હતી. જેના કારણે તેમને જિલ્લાની બહાર જૂનાગઢમાં બદલી કરી દિધી હતી. અમદાવાદ PCBમાંથી ખદેડ્યા બાદ ફરી તરલ ભટ્ટે જૂનાગઢમાં કાંડ કર્યાનો આક્ષેપ લાગ્યો છે.