November 24, 2024

ખેડાના આ ગામમાં ધગધગતા અંગારા પર ચાલીને હોળીની અનોખી ઉજવણી

યોગીન દરજી, ખેડા: શહેરના પલાણા ગામે અનોખી રીતે હોળીની ઉજવણી થાય છે. આ ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ તેના જે અંગારા પડે તેના પર ચાલવાની પરંપરા છે. જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં લોકો આ પરંપરા જોવા માટે ઉમટી પડે છે, ત્યારે પલાણા ગામનો નજારો જોવાલાયક હોય છે.

સળગતા દેવતા પર જો આપણો પગ પડી જાય તો દાઝી જવાય અને ફોલ્લા પડી જતા હોય છે, પરંતુ ખેડા જિલ્લાનું એક ગામ એવું છે જ્યાં હોળીના સળગતા અંગારા પર ચાલવા છતાં કોઈ વ્યક્તિને ઇજા થતી નથી. આ ગામ છે વસો તાલુકાનું પલાણા ગામ. વર્ષોથી આ ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ તેના જે અંગારા પડે તેના પર ચાલવાની પરંપરા છે. જે આજની 21મી સદીમાં પણ ચાલી રહી છે. આ સળગતા અંગારા પર શા માટે ચાલવામાં આવે છે, તે તો કોઈને ખબર નથી. પરંતુ બસ વર્ષોથી ચાલી આવતી પરંપરાનું આજે પણ અનુકરણ થઈ રહ્યું છે અને લોકો શ્રદ્ધાભેર અંગારા પર ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતની 11 દુર્ગમ-અંતરિયાળ જગ્યાએ બનાવવામાં આવે છે સ્પેશિયલ બુથ

ગામમાં શરૂ થયેલી આ પરંપરાએ આજે મેળાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. મોટી સંખ્યામાં બહારગામ થી આવતા લોકોને કારણે હોળીના બે દિવસ રહી ભવ્ય મેળો ભરાતો હોય છે અને મેળામાં આવતા લોકો હોળી પ્રગટાવ્યા બાદ અંગારા પર ચાલવાનો લહાવો પણ લેતા હોય છે.