October 31, 2024

સોનીનું કામ કરતાં કારીગરોની નજર બગડી અને કરી કાઢી લાખોની ચોરી

મિહિર સોની, અમદાવાદ: માણેકચોકની જવેલર્સમાં થયેલ લાખોની ચોરીનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢ્યો છે. બજારમાં સોનીનું કામ કરતા કારીગરોની એક જવેલર્સ પર નજર બગડી અને ચોરી કરવાનો પ્લાન બનાવી ચોરી કરી. ક્રાઈમ બ્રાન્ચે ગણતરીનાં દિવસોમાં બે આરોપી ધરપકડ કરી 48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં રહેલ આરોપી સંજય વૈષ્ણવ અને શૈલેષ ઉર્ફે લાલો જાદવની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. પકડાયેલ બે આરોપી સહિત વોન્ટેડ આરોપી શિન્ટુ ઉર્ફે બંગાળી ચક્રવતી ભેગા મળી માણેકચોકની શ્રી ગોલ્ડ આર્ટ નામની જવેલર્સની દુકાન પાછળ બાથરૂમની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ કરી સોનાની લગડી અને રોકડ મળી 52 લાખની ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બન્ને આરોપીની ધરપકડ કરી સોનાના 6 લગડી અને રોકડ મળી 48.78 લાખની કબજે કર્યા છે. ત્યારે, આરોપી શિંન્ટુ ચક્રવર્તી નામનો આરોપી બંગાળ ફરાર થઈ ગયો છે જેને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પકડાયેલા આરોપી માણેકચોકની અલગ-અલગ જ્વેલર્સની દુકાનમાં સોનાની છૂટક કામગીરી કરતા હતા. આ આરોપીઓ માર્કેટમાં જ કામ કરતા હતા જેથી કોઈ ઓળખી ન જાય તે માટે શ્રી ગોલ્ડ આર્ટની દુકાનની પાછળથી બાથ રૂમમાંથી પ્રવેશ કરીને ચોરી કરી શકાય તે જાણતા હોવાથી આરોપીએ ગ્રિલ તોડી ચોરી કરી હતી. ત્રણેય આરોપીએ ચોરી કરી મુદ્દામાલ ભાગ પાડી દીધો હતો. જેમાં બે આરોપી પોતાનો ચોરી સોનું વેચે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. હાલ અન્ય એક આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી છે.

હાલ આરોપીઓ સામે અન્ય કોઈ ગુનો દાખલ થયેલ છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે બન્ને આરોપીને ખાડિયા પોલીસને સોંપ્યા છે.