ભાજપ-કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ‘X’ વોર, ઘણા નેતા લપેટામાં આવી ગયા
અમદાવાદ: લોકસભા 2024ની ચૂંટણીને લઇ તમામ પાર્ટીઓએ કમર કસી લીધી છે. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નિવેદનોનો મારો શરૂ થઇ ગયો છે. આ દરમિયાન કોંગ્રેસના પરેશ ધાનાણી અને ભાજપના યજ્ઞેશ દવે વચ્ચે ‘X’ વોર શરૂ થઇ ગયું છે. કોંગ્રેસ પ્રવક્તા પરેશ ધાનાણીએ પોતાના એક ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. તેમણે ગુજરાત ભાજપના કેટલાક ઉમેદવારોના નામ લઇ એક કવિતા શેર કરી છે, જેમાં તેઓએ ભીખુસીંહ, વડોદરા સીટથી ભાજપની ટિકિટ પરત કરનારા રંજનબેન, નારણભાઈ, રમેશ ધડૂક, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીબેન અને નીતિન પટેલ પર કટાક્ષ કર્યો છે.
"હા પાડીને, હેઠા બેસાડયા"
ભીખુસીંહને ભોઠા પાડ્યા,
રંજનબેનને રડાવીયા,
નારણભાઈની નાડ ઢીલી,
ધડૂકના ઢોલ પીટી નાખ્યા,
રુપાણીને રમતા મુક્યા,
મુંજપરાને મરડી નાખ્યા,
ભારતીબેન ભૂંસાઈ ગયા,
કેસી બની ગયા દેશી,અને મેહાણી કાકાનો તો
કાંટો જ કાઢી નાખ્યો.!#2004નુ_પુનરાવર્તન_પાક્કુ— Paresh Dhanani (@paresh_dhanani) March 27, 2024
પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટથી વ્યંગ કર્યો
આ દરમિયાન ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે એ પણ એક ટ્વીટ કરીને કોંગ્રેસની બોલતી બંધ કરી છે. તેમણે ગુજરાત કોંગ્રેસના નેતાઓને ટાંકીને એક સોશિયલ મીડિયા હેન્ડલ પર એક્સ પર એક ટ્વીટ કર્યું છે. જે વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે. ડો. યજ્ઞેશ દવેએ પોતાના ટ્વીટમાં કોંગ્રેસ ટનાટન નહીં પરંતુ કોંગ્રેસ ‘ના’ પાડવામાં ટનાટન છે તેવું જણાવ્યું છે.
કોંગ્રેસ ટના ટન નહિ કોંગ્રેસ " ના " પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ના હોમ ટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમ ટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનાર ના શરણમાં મુકવી પડી
રાજકોટથી પરેશ ધાનાની ની ટનાં ટન "ના "
અમરેલીથી પ્રતાપ દુધાત ની ટનાં… pic.twitter.com/6L45VO0LoQ
— Dr.Yagnesh Dave(Modi ka Parivar) (@YagneshDaveBJP) March 27, 2024
ડો. યજ્ઞેશ દવેએ પોતાના ટ્વીટમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ, રાજકોટથી પરેશ ધાનાણી, અમરેલીથી પ્રતાપ દુધાત, અમદાવાદ પુર્વથી રોહન ગુપ્તા, આણંદથી ભરત સોલંકી, પાટણથી જગદીશ ઠાકોર, અમદાવાદ પુર્વથી હીંમતસિહ પટેલ, અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી નહીં લડવાને લઇ વ્યંગ કર્યો છે. આ દરમિયાન તેમણે એક અખબારનો ફોટો પણ પોતાની પોસ્ટમાં શેર કર્યો છે. આમ ભાજપ અને કોંગ્રેસ બંને નેતાઓના ‘X’ વોરથી હાલમાં ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.