May 13, 2024

ટાઇટેનિકમાં સવાર સૌથી અમીર મુસાફરના સોનાની ઘડિયાળની હરાજી, જાણો કિંમત

નવી દિલ્હીઃ ટાઈટેનિક સાથે જોડાયેલી કોઈપણ માહિતી સામે આવે ત્યારે દરેક વ્યક્તિને તે જાણવા માટે ઉતાવળ હોય છે. એક એક્સાઇટમેન્ટ હોય છે. આ જહાજના સૌથી અમીર પેસેન્જરને મળેલી સોનાની ઘડિયાળના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ઘડિયાળની હરાજી કરવામાં આવી છે, તેની કિંમત જાણીને તમે વિશ્વાસ નહીં કરો. આ ઘડિયાળની ઇંગ્લેન્ડમાં 11.7 લાખ પાઉન્ડ એટલે કે 14.6 લાખ ડોલરમાં હરાજી કરવામાં આવી હતી. હરાજી કરનારા હેનરી એલ્ડ્રિજ એન્ડ સને જણાવ્યું હતું કે, 1912ની જહાજ દુર્ઘટના સાથે જોડાયેલી આઇટમ માટે આ રેકોર્ડબ્રેક રકમ હતી.

એક અમેરિકન ખરીદદારે ખરીદેલી
એવો અંદાજ હતો કે, આ ઘડિયાળ એક લાખથી દોઢ લાખ પાઉન્ડ વચ્ચે વેચાશે. જો કે, આ અંદાજને પાછળ છોડીને એક અમેરિકન વ્યક્તિએ બિડ જીતી લીધી છે.

પત્નીએ જીવ બચાવ્યો
ઘડિયાળ પર જેજેએ લખ્યું છે. હકીકતમાં આ ઘડિયાળ અમેરિકાના સૌથી અમીર વ્યક્તિ જોન જેકબ એસ્ટોરની હતી. એવું કહેવાય છે કે, જ્યારે 15 એપ્રિલ 1912ના દિવસે ટાઇટેનિક ડૂબી ગયું ત્યારે જહાજ ડૂબે તે પહેલાં તેની પત્ની મેડેલિનને બોટમાં લઈ ગયો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. જો કે, એસ્ટરનું મોત નીપજ્યું હતું. ત્યારે તેની ઉંમર 47 વર્ષની હતી.

અકસ્માતના એક અઠવાડિયા પછી એસ્ટરની લાશ મળી આવી હતી. આ દરમિયાન તેના સામાનમાંથી એક ઘડિયાળ પણ મળી આવી હતી. હરાજી ઓફિસ આ અંગે માહિતી આપતા જણાવે છે કે, ‘આ ઘડિયાળ કર્નલ એસ્ટરના પરિવારને પરત કરવામાં આવી હતી, ત્યારબાદ તેમનો પુત્ર આ ઘડિયાળ પહેરતો હતો.’