November 22, 2024

પેન્સિલવેનિયા રેલીમાં ટ્રમ્પની સુરક્ષામાં ચૂક, પત્રકાર ગેલેરીમાં ઘૂસેલા યુવકને પોલીસે ઝડપ્યો

USA: પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા ફરી એકવાર ચૂકનો મામલો સામે આવ્યો છે. પેન્સિલવેનિયાના જોનસ્ટાઉનમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી, જ્યારે તેઓ અહીં ચૂંટણી રેલી યોજવા આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એક શખ્સ પત્રકાર ગેલેરીમાં ઘૂસી આવ્યો હતો. ત્યારબાદ, તેણે સ્ટેજ પર ચઢવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના કારણે અમેરિકન સિક્રેટ સર્વિસના કર્મચારીઓમાં હડકંપ મચી ગયો. જો કે, પોલીસે તેને ઘેરી લીધો હતો અને ‘ટેસર’નો ઉપયોગ કરીને તેને કાબુમાં કરી લઈ સ્ટેજ પર ચઢતા અટકાવી દીધો.

ગયા મહિને પેન્સિલવેનિયામાં જ ટ્રમ્પ પર થયો હતો હુમલો 
લગભગ એક મહિના પહેલા પેન્સિલવેનિયામાં જ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો, જ્યારે હુમલાખોરની ગોળી તેમના કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી. જવાબી કાર્યવાહીમાં સિક્રેટ સર્વિસિસે તેને ઠાર માર્યો હતો. જ્યારે, તાજેતરની ઘટનામાં યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે ‘ટેસર’થી યુવકને કાબુ કરવામાં આવ્યો હતો તે બંદૂકના આકારનું ઇલેક્ટ્રિક ઉપકરણ છે, જેનો ઉપયોગ પોલીસ ગુનેગારોને નિયંત્રિત કરવા માટે કરે છે. એક સ્થાનિક મીડિયાના સંવાદદાતાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં યુવક સાઈકલ પર પ્રેસ ગેલેરીમાં પ્રવેશતો અને તે પ્લેટફોર્મ પર ચડતો જોવા મળે છે, જેના પર ટીવી પત્રકારો કેમેરા લઈને ઉભા હતા.

સ્ટેજ પર ચઢવાનો પ્રયાસ કરતા ઝડપાયો શકમંદ
વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પાસે હાજર લોકો તેને નીચે ઉતારવાનો પ્રયાસ કરે છે અને બાદમાં પોલીસકર્મીઓ પણ ત્યાં પહોંચી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓ યુવકને ‘ટેઝર’ વડે કંટ્રોલ કર્યા બાદ તેને ત્યાંથી લઈ જઈ રહ્યા છે, જેના જવાબમાં ટ્રમ્પ કહે છે, “શું એવી કોઈ જગ્યા છે જ્યાં ટ્રમ્પની રેલી કરતાં વધુ મજા આવે?” હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે રેલીમાં ઘૂસનાર વ્યક્તિનો ઈરાદો શું હતો અને તે ટ્રમ્પનો સમર્થક છે કે વિરોધી.

આ પણ વાંચો: રૂબિના ફ્રાન્સિસે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ, ભારતના ખાતામાં 5મો મેડલ

મહત્વનું છે કે, હજુ ગયા મહિને પેન્સિલવેનિયામાં જ એક રેલી દરમિયાન ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો. ભીડમાં હાજર એક શખ્સે તેમના પર ગોળીઓ વરસાવી હતી. તેમાંથી એક ગોળી તેના જમણા કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી.