November 22, 2024

તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ ડેરી સામે દાખલ કરી ફરિયાદ

Tirumala Laddu Row: આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજીના પ્રસાદમ (લાડુ)ને લઈને બબાલ શાંત થવાનું નામ નથી લઈ રહી. તો આ દરમિયાન, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ સમગ્ર મામલે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. TTDના જનરલ મેનેજર પી મુરલી કૃષ્ણાએ પૂર્વ પોલીસ સ્ટેશનમાં એઆર ડેરી ફૂડ પ્રાઈવેટ લિમિટેડ, ડિંડીગુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પહેલા સરકારે પોલીસ અધિકારી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીના નેતૃત્વમાં એક SITની રચના કરી જે આ ભેળસેળના મામલાની તપાસ કરશે. તો, હજુ એક દિવસ પહેલા જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તમિલનાડુ સ્થિત એક કંપનીને કારણ દર્શક નોટિસ ઇસ્યુ કરી છે. આરોપ છે કે તિરુમાલા મંદિરના પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીના ચાર સેમ્પલમાં પશુઓની ચરબી મળી આવી હતી.

FSSAI એ એઆર ડેરીને કર્યા સવાલો
FSSAI એ એઆર ડેરી ફૂડ પ્રાઇવેટ લિમિટેડને નોટિસ ઇસ્યુ કરીને સવાલ કર્યો છે કે શા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (ફૂડ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ફૂડ એડિટિવ્સ) રેગ્યુલેશન્સ, 2011 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ તેનું કેન્દ્રીય લાઇસન્સ સસ્પેન્ડ ન કરવું જોઈએ. રેગ્યુલેટરે કહ્યું કે સેન્ટ્રલ લેબોરેટરીમાં ઘીના સેમ્પલના પૃથ્થકરણમાં જાણવા મળ્યું કે તે ધોરણોને અનુરૂપ નથી.

TTD ની ઘી ખરીદ સમિતિએ TTDને સપ્લાય કરવાં આવેલ તમામ સેમ્પલ્સ તપાસ માટે ગુજરાતના આણંદ ખાતે NDDB કાલ્ફ લેબમાં મોકલ્યા છે. FSSAI ને જાણવા મળ્યું કે ઘી ધોરણોને પૂર્ણ કરતું નથી.