September 19, 2024

સમગ્ર ગુજરાતમાં આજે ફરી મેઘમહેર, 198 તાલુકાઓમાં ધોધમાર વરસાદ

Gujarat Monsoon: છેલ્લા કેટલાય દિવસથી વિરામ લીધા બાદ આજે ફરી રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આજે થયેલા વરસાદને લઈને હવામાન વિભાગે આંકડા જાહેર કર્યા છે. હવામાન વિભાગે આજે સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા દરમિયાન રાજ્યમાં થયેલ વરસાદના આંકડા જાહેર કર્યા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 8.00 વાગ્યા સુધીમાં 198 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં, સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 9 ઈંચ વરસાદ થયો છે. તો સાથે સાથે, મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચ વરસાદ થયો છે. તેમજ, વલસાડના ધરમપુર, વાપી અને પારડીમાં 5.5 ઈંચ વરસાદ, ખેડાના કપડવંજમાં 5.5 ઈંચ વરસાદ થયો છે. વધુમાં, રાજ્યમાં 91 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.

વધુમાં હવામાન વિભાગે આજે સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 2 કલાક દરમિયાન થયેલ વરસાદને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 6.00 વાગ્યાથી 8.00 વાગ્યા સુધીમાં 88 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં, સૌથી વધુ વરસાદ દાહોદના લીમખેડામાં 1.5 ઈંચ વરસાદ થયો છે. તો, ડાંગના સુબીરમાં પણ 1.5 ઈંચ વરસાદ, દાહોદના ગરબાડામાં 1.5 ઈંચ વરસાદ થયો છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં 4 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.