November 22, 2024

ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓની થશે ઓળખ પરેડ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

વડોદરાઃ ભાયલી સગીરા પર દુષ્કર્મ કેસના તમામ આરોપીઓને જિલ્લા પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. જિલ્લા ડીવાયએસપી બીએચ ચાવડાની દેખરેખ હેઠળ આરોપીઓને ઘટનાસ્થળે ભાયલી લઈ જવામાં આવ્યા છે.

આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા પોલીસ મથકે લઈ જવામાં આવશે. આરોપીઓની ઓળખ પરેડ પણ કરવામાં આવશે. એકપણ આરોપી છટકી ના શકે તે માટે જૂની કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગેંગરેપના ત્રણેય આરોપીઓને મામલતદાર સામે રજૂ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય મામલતદાર અને એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ શૈલેષ દેસાઈ સામે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?
આ ઘટના વિશે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કહ્યુ છે કે, ‘પીડિતા પોતાના મિત્રને 11.30 વાગે રાત્રે મળી હતી. રાત્રે 12 વાગે બે બાઈક પર સવાર 5 લોકોએ જોયા હતા. પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી. 5માંથી 2 વ્યક્તિ નીકળી ગયા હતા. 2 યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું, 1 યુવકે પીડિતાના મિત્રને પકડી રાખી હતી.’ ઉલ્લેખનીય છે કે, ગેંગરેપ થયાની જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ કરી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાને રાખીને જિલ્લા પોલીસ સાથે શહેર પોલીસ પણ તપાસમાં જોડાઈ છે.

સગીરા પીડિતા પરપ્રાંતીય છે. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓની ઉંમર 30થી 35 વર્ષ હોવાનું પોલીસનું અનુમાન છે. જિલ્લા પોલીસ વડાએ કહ્યુ છે કે, આ કેસ પોલીસ માટે ખૂબ ચેલેન્જિંગ છે. પીડિતા ગરબા રમવા નથી ગઈ. તે નોર્મલ ડ્રેસમાં હતી, ચણિયાચોળી પહેર્યા નહોતા.’