October 28, 2024

દિવ્યાંગ દીકરીને જોઈ મોદીએ કાફલો રોકાવ્યો, પેડ્રો સાંચેઝને તસવીર ગિફ્ટ આપી

વડોદરાઃ ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બંને મહાનુભાવો કાફલો રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા.

એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની દિયા ગોસાઇ ઉત્તમ ચિત્ર કલાકાર છે. તે તેમના પરિજનો સાથે બંને દેશના વડાપ્રધાનના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ સાથે માર્ગ ઉપર ઉભી રહી હતી અને મહાનુભાવોના આગમનની આતુરતાપૂર્વક રાહ જોતી જોવા મળી હતી.

એવામાં રોડ શોનો કાફલો આ તરફથી પસાર થયો અને તેવામાં બંને વડાપ્રધાનની નજર આ છાત્રા પર ગઈ હતી. તેથી આ આખો કાફલો રોકી દેવામાં આવ્યો હતો. બંને મહાનુભાવો ખુલ્લી જીપમાંથી નીચે ઉતર્યા હતા અને આ દિવ્યાંગ છાત્રાને મળવા તેમની પાસે પહોંચી ગયા હતા.

દિયાએ બંને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટ આપી હતી. જેને મહાનુભાવોએ સહર્ષ સ્વીકારી હતી અને દિયાને શુભકામના આપી હતી. આ વેળા સાંસદ ડો. હેમાંગભાઇ જોશી પણ સાથે રહ્યા હતા.