વડોદરામાં ભારે વરસાદ, દાંડિયા બજાર-મકરપુરા સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ!
વડોદરાઃ વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. દાંડિયા બજાર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં છે. ત્યારે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને લોકોના વાહન પણ બંધ થઈ ગયા છે.
પાલિકા દ્વારા બનાવવામાં આવેલો ફૂટપાથ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ ઉપરાંત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે.
ભારે વરસાદને કારણે SSG હોસ્પિટલમાં એક વૃક્ષ ધરાશાયી થયું છે. સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસ આગળ જ વૃક્ષ ધરાશાયી થયું છે. ત્યારે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
શહેરના મકરપુરા વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. મકરપુરા એરપોર્ટ સ્ટેશનની પાછળ હવેલી ચાર રસ્તાથી મકરપુરા ડેપો તરફ જતા રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. મકરપુરા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા રાહદારીઓ તેમજ સ્થાનિકો પરેશાન થયા છે.