November 22, 2024

હવે ગુજરાતમાં રેલવેને નડ્યો અકસ્માત, વલસાડમાં ટ્રેનનો ડબ્બો પાટા પરથી ખડી પડ્યો

વલસાડ: બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ રેલવે અકસ્માત સામે આવ્યો છે. વલસાડના ડુંગરી રેલવે સ્ટેશન નજીક માલગાડીનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયાની માહિતી મળી રહી છે. રેલવે મેન લાઇનથી સાઈડીગ લાઇન ઉપર જઈ રહેલી માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. માલગાડી પાટા પરથી ઉતરતા રેલવેના અધિકારીઓ દોડતા થયા હતા. માલગાડી પાટા પરથી ઉતરતા મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહારને અસર થઈ હતી.

શુક્રવારે ગુજરાતના વલસાડ અને સુરત સ્ટેશન વચ્ચે ડુંગરી રેલવે સ્ટેશન પાસે માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ઊતરી ગયો હતો. હાલ આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી મળી રહી. પશ્ચિમ રેલવેના એક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ડુંગરી સ્ટેશન નજીક બપોરે 3 વાગ્યે બનેલી આ ઘટનાને કારણે માર્ગ પરનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો.

જાણવા મળી રહ્યું છે કે બીલીમોરા નજીકના ડુંગરી રેલ્વે સ્ટેશન પાસે ડાઉન લાઇન પરથી ગુડ્ઝ ટ્રેન મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાનના લુણી તરફ જઈ રહી હતી. જ્યાં આ ગુડ્ઝ ટ્રેન જ્યારે ડુંગરી રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થતાં જ ટ્રેનના એન્જીન પછીનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો પણ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી તુરંત ટ્રેન અટકાવી દીધી હતી.