November 22, 2024

વિકાસ સપ્તાહ: નડાબેટ ખાતે કરાયું વિકાસ પદયાત્રાનું આયોજન

બનાસકાંઠા: હાલના વડાપ્રધાન અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજયના 14મા મુખ્યમંત્રી તરીકે તા.7 ઓક્ટોબર, 2001ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-2001 થી વર્ષ-2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-2024ની તા. 07 થી તા.15 દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કરાયું.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના આઇકોનિક સ્થળ નડાબેટ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. નડેશ્વરી માતાજીના મંદિરથી શરૂ કરીને નડાબેટ સીમા દર્શન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી. જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્ય સહીત કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી થયેલા વિકાસ કાર્યોથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા.

વિકાસ પદયાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો સ્વયંભૂ જોડાયા હતા. વિકાસ પદયાત્રામાં સહભાગી થયેલ તમામ લોકો દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી અને BSF જવાનો દ્વારા કરવામાં આવતી પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું.