November 22, 2024

સિલ્વર મેડલ વિવાદ પર કોર્ટના નિર્ણય પહેલા વિનેશ ફોગાટ આવતીકાલે ભારત પરત ફરશે

Vinesh Phogat Arriving in India: પેરિસ ઓલિમ્પિક 2024 ખતમ થયા બાદ હવે ભારતીય ટીમ દેશ પરત ફરવા જઈ રહી છે. ટીમ મંગળવારે (13 ઓગસ્ટ) પરત ફરશે. આ સમય દરમિયાન સ્ટાર રેસલર વિનેશ ફોગાટ પણ પોતાના ઘરે પરત ફરશે. મહત્ત્વની વાત તો એ છે કે, વિનેશના સિલ્વર મેડલ અંગેનો નિર્ણય પણ આ દિવસે (13 ઓગસ્ટ) લેવાનો છે.

નોંધનીય છે કે, પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાઈ હતી. આ માટે 117 સભ્યોની ભારતીય ટીમ પેરિસ ગઈ હતી જેમાંથી મોટાભાગના ખેલાડીઓ પરત ફર્યા છે, પરંતુ સમાપન સમારોહમાં ‘પરેડ ઓફ નેશન્સ’ માટે ભારતીય ધ્વજવાહક પીઆર શ્રીજેશ અને મનુ ભાકર સહિત અન્ય તમામ એથ્લેટ્સ અને ભારતીય ટીમ મંગળવારે (13 ઓગસ્ટ) ના રોજ દેશ પરત ફરશે.

વિનેશનો વીડિયો પણ સામે આવ્યો છે
વિનેશ ફોગાટ ઘરે પરત ફરવા માટે ઓલિમ્પિક વિલેજ છોડી દીધી છે. આ સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિનેશ બેગ સાથે જતી જોવા મળી રહી છે. તેના નજીકના એક સૂત્રએ કહ્યું, ‘વિનેશ અત્યારે થોડી સારી લાગણી અનુભવી રહી છે. તેણે ધીમે ધીમે ખાવાનું શરૂ કર્યું. તે કોઈની સાથે વાત કરતી નથી. અમે બધા તેની સાથે છીએ.

ગોલ્ડ મેડલ મેચ પહેલા જ ડીસક્વોલિફાઇડ જાહેર કરાઇ
તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિક દરમિયાન વિનેશે 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો, પરંતુ મેડલ મેચ પહેલા તેને ગેરલાયક ઠેરવવામાં આવી, કારણ કે તેનું વજન ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેચ પહેલા કરતા 100 ગ્રામ વધારે હતું. આ પછી વિનેશે CASમાં કેસ દાખલ કર્યો, જેના પર નિર્ણય 13મી ઓગસ્ટે આવવાનો છે. આવી સ્થિતિમાં વિનેશ ફોગટને હજુ પણ ન્યાય મળવાની આશા છે. જો નિર્ણય વિનેશની તરફેણમાં આવશે તો તેઓ સંયુક્ત રીતે સિલ્વર મેડલ મેળવશે.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતના મેડલ
પેરિસ ઓલિમ્પિકમાં પહેલો મેડલ મનુ ભાકરે બ્રોન્ઝ 10 મીટર એર પિસ્તોલમાં જીત્યો, ત્યારબાદ મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી, સ્વપ્નિલ કુસાલે મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. આ પછી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. જ્યારે કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને છઠ્ઠો મેડલ મેળવ્યો હતો.