November 21, 2024

તાપીમાં ઘોડા પર બેસી ઢોલ નગારા સાથે મતદાન

તાપી: બારડોલી લોકસભા બેઠક BJP અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે. વહેલી સવારથી મતદાન શરૂ થયું છે. BJPમાંથી પ્રભુભાઈ નાગરભાઈ વસાવા ચૂંટણી લડી રહ્યા છે. મહત્વનું છે કે, પ્રભુ વસાવા સતત બે ટર્મથી સાંસદ રહી ચૂક્યા છે. બારડોલી લોકસભા બેઠક પર બેઠકમાં કુલ 20,48,408 મતદારો નોંધાયા છે. વહેલી સવારથી 1392 સ્થળોએ કુલ 2180 મતદાન મથકોએ મતદાન શરૂ થયું હતું.

સવારથી જ વિસ્તારમાં જોરશોરથી મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીએ મતદાન કર્યું છે. એ બાદ વિસ્તારના અનેક દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું હતું. આ ઉપરાંત તાપીના સોનગઢમાં ખાસ ઢોલ નગાડા સાથે લોકોએ મતદાન કર્યું છે. સોનગઢના વેપારી યુવાને ઘોડા પર બેસીને ઢોલ નગાડા સાથે મતદાન કર્યું હતું. આ સાથે લોકોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો: વિદેશથી મતદારો મતદાન માટે નવસારી આવ્યા

નોંધનીય છે કે, વિસ્તારના 195 મતદાન મથકોને સંવેદનશીલ કરાતા પોલીસ વિભાગ સતર્ક જોવા મળ્યું હતું. તાપી, સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસનો ખડેપગે ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.