November 23, 2024

મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 15 મહિનાના સર્વોચ્ચ સ્તરે, ખાવાપીવાની વસ્તુના ભાવ વધવાની અસર

અમદાવાદઃ મે મહિનામાં દેશની જથ્થાબંધ મોંઘવારી છેલ્લા 15 મહિનાના સર્વોચ્ચ સ્તર 2.61 ટકા પર પહોંચી ગઈ છે. એપ્રિલ મહિનામાં આ 1.26 ટકા હતા. જથ્થાબંધ ખાદ્ય ફુગાવો મેમાં વધીને 7.4 ટકા થઈ ગઈ હતી. એપ્રિલ મહિનામાં તે 5.5 ટકા હતી અને મે મહિનામાં 4.82 ટકા હતી. મેમાં માસિક આધારે જથ્થાબંધ કિંમતોમાં 0.2 ટકા વધારો થયો હતો.

આંકડા પ્રમાણે, ખાદ્ય વસ્તુઓનો ફુગાવો મે મહિનામાં 9.82 ટકા વધ્યો હતો. જ્યારે એપ્રિલમાં ફુગાવો 7.74 ટકા હતો. શાકભાજીનો ફુગાવો મે મહિનામાં 32.42 ટકા રહ્યો હતો, જે ગત મહિને 23.60 ટકા હતો. ડુંગળીમાં ફુગાવે 58.05 ટકા અને બટાકાનો ફુગાવો 64.05 ટકા રહ્યો હતો. મે મહિનામાં દાળની મોંઘવારી 21.95 ટકા વધી હતી.

ઇંધણ અને વીજળીમાં ફુગાવો 1.35 ટકા રહ્યો હતો, જે એપ્રિલમાં 1.38 ટકાથી સ્હેજ ઓછો હતો. વિનિર્મિત ઉત્પાદકોનો ફુગાવો એપ્રિલમાં 0.42 ટકાથી વધીને 0.78 ટકા થઈ ગયો હતો.

મે મહિનામાં જથ્થાબંધ મૂલ્ય સૂચકાંકમાં વધારો આ મહિનાના છૂટક ફુગાવાથી વિપરિત છે. ભારતીય રિઝર્વ બેન્ક મૌદ્રિક નીતિ તૈયાર કરતા સમયે મુખ્ય રીતે છૂટક ફુગાવાને ધ્યાને રાખવામાં આવે છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, મે મહિનામાં છૂટક ફુગાવો એક વર્ષના સૌથી નીચલા સ્તર 4.75 ટકાએ આવી ગયો છે. આરબીઆઈએ આ મહિનાની શરૂઆતમાં સતત આઠમીવાર વ્યાજદરમાં કોઈ વધારો કર્યો નથી.