અમિત શાહે કેમ કહ્યું, ઘાટલોડિયા સિવાય ગાંધીનગર લોકસભા સીટની અન્ય વિધાનસભાઓની કામગીરી નબળી!
જયેશ ચૌહાણ, અમદાવાદ: અમદાવાદના ઓગણજ વિસ્તારમાં ઘાટલોડિયા વિધાનસભાના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ માટે નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે CM ભૂપેન્દ્ર પટેલ અને ગાંધીનગર લોકસભા હેઠળ આવતી વિધાનસભાના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. સમારોહમાં અમિત શાહે કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર કરવાની સાથે ધારાસભ્યો માટે પણ ટકોર કરી હતી.
‘આયુષ્માન વય વંદના કાર્ડને લઈ જતીન એન્ડ કંપની સિવાય તમામ વિધાનસભામાં નબળી કામગીરી’
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં સ્ટેજ પર ઉપસ્થિત ધારાસભ્યોની હાજરીમાં જ કહ્યું કે નબળી કામગીરી છે. અમિત શાહ સંબોધનમાં 70 વર્ષથી વધુ વયના લોકોને મળતી આયુષ્માન વય વંદના સેવાની વાત કરી રહ્યા હતા, જેમાં ગાંધીનગર લોકસભા હેઠળ આવતી 7 વિધાનસભાઓની કામગીરીને લઈને પણ ટકોર કરી હતી. અમિત શાહે કહ્યું, આયુષ્માન વય વંદના કાર્ડ એ PM મોદીની મહત્વની યોજના છે અને આયુષ્માન વય વંદના કાર્ડ માટે જતીન એન્ડ કંપનીની ઘાટલોડિયા વિધાનસભા સિવાય તમામ વિધાનસભાની કામગીરી નબળી છે. આપણી લોકસભામાં 1.85 લાખ મતદારો 70 વર્ષથી વધુ વયના છે, ત્યારે સૌ ધારાસભ્યો અને પદાધિકારીઓ આ માટે કામે લાગી જાય કે તમામ મતદારોના કાર્ડ નીકળે અને કેમ્પ પણ કરવામાં આવે.
‘અમિત શાહે કાર્યકર્તાઓને કહ્યું, હું જીવનભર તમારું ઋણ નહીં ઉતારી શકું’
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કાર્યકર્તાઓમાં નવી ઊર્જાનો સંચાર કરતા કહ્યું કે, લોકસભાની ચુંટણીમાં હું તો માત્ર એક રોડ શો બાદ નામાંકન કરીને સીધો મતદાન કરવા આવ્યો હતો પણ સમાચાર મળતા રહેતા હતા અને તમે મને જીતાડી પણ દીધો. અમિત શાહે હળવા મૂડમાં કહ્યું હતું કે, કદાચ હું હોત તો એક બે લોકો આઘા પાછા થઈ ગયા હોત પણ તમે મને મોટી લીડથી જીતાડ્યો. હું સરખેજનો ધારાસભ્ય રહ્યો અને પછી હવે તમારો સાંસદ તમે જ મને જીતાડો છો. લોકો ફરિયાદ પણ કરતા હશે અને તમારે સાંભળવું પણ પડતું હશે અને જ્યાં હાર તોરા થતી હશે તો બધા મારી સામે જોતા હશે પણ મને ખબર છે અને હું જાણું છું કે ચૂંટણીનો વિજય અને પક્ષના વિકાસની યશગાથા એ બધું જ તમારા લીધે છે અને તમારું છે. ગાંધીનગરની જનતા અને કાર્યકર્તાઓનું છે અને હું અહી બધું જ તમને આપીને જાવ છું.
‘CM ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ આહ્વાન કર્યું’
સ્નેહ મિલન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભાના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને નવા વર્ષની શુભકામનાઓ આપતા આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આહવાન કર્યું હતું અને જણાવ્યું હતું કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિકાસના મિજાજને બરકરાર રાખી પક્ષ અને સરકાર સાથે ખંભોથી ખંભો મિલાવીને કામ કરવાનું છે.