September 20, 2024

PM મોદીએ પુતિનને કેમ ગળે લગાવ્યા? જયશંકરે આપ્યો સીધો જવાબ

PM Modi Hug Diplomacy: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એક દિવસની મુલાકાતે યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા હતા. કિવ પહોંચતા રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બંને નેતાઓએ પહેલા હાથ મિલાવ્યા અને પછી એકબીજાને ગળે લગાવ્યા. પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે યુદ્ધથી કોઈ સમસ્યાનું સમાધાન નથી થતું. શાંતિ પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેનને સાથે મળીને સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ.

યુક્રેન પ્રવાસ દરમિયાન PM મોદી અને પુતિનની કેમ થઈ રહી છે ચર્ચા?
નોંધનીય છે કે, યુક્રેન જવાના થોડા સમય પહેલા પીએમ મોદી રશિયા પણ ગયા હતા. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પીએમ મોદીની એક તસવીર ખૂબ ચર્ચામાં રહી હતી, જેનો રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ વિરોધ કર્યો હતો. હવે વિદેશ મંત્રી એસ જયશંકરને રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદીને ગળે લગાવવાની તસવીર પર સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો તેમણે જવાબ આપ્યો હતો.

હકીકતમાં, એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકરને પૂછવામાં આવ્યું કે પીએમ મોદીએ રશિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિનને કેમ ગળે લગાવ્યા, જેના પર વિદેશ મંત્રીએ કહ્યું કે તે અમારી સંસ્કૃતિનો એક ભાગ છે. તેણે વધુમાં કહ્યું કે જ્યારે અમારે ત્યા લોકો એક-બીજાને મળે છે ત્યારે તેઓ ગળે લગાવે છે. તે તમારી સંસ્કૃતિનો ભાગ ન હોઈ શકે, પરંતુ તે અમારી સંસ્કૃતિનો ભાગ છે.