September 20, 2024

શું રાજ્યના કર્મચારીઓને પણ UPSનો લાભ મળશે? જાણો અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?

Unified Pension Scheme: શનિવારે 24 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી દીધી. આ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓને પગારના 50 ટકા પેન્શન તરીકે સુનિશ્ચિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “આજે કેન્દ્રીય કેબિનેટે ખાતરીપૂર્વક પેન્શન પૂરા પાડતા સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી છે. 50% ખાતરીપૂર્વકનું પેન્શન આ યોજનાનો પ્રથમ સ્તંભ છે. બીજો સ્તંભ સુનિશ્ચિત પારિવારિક પેન્શન હશે. કેન્દ્ર સરકારે લગભગ 23 લાખ કર્મચારીઓને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)થી લાભ થશે. કર્મચારીઓ પાસે NPS અને UPS વચ્ચે પસંદ કરવાનો વિકલ્પ હશે.”

શું રાજ્યના કર્મચારીઓને પણ મળશે UPSનો લાભ?
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જો રાજ્ય સરકાર UPS લાગુ કરવા માંગતી હોય તો તેને લાગુ કરી શકાય છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારોને પણ યુનિફાઇડ પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જો રાજ્ય સરકારો UPSનો વિકલ્પ પસંદ કરે છે તો લાભાર્થીઓની સંખ્યા વધીને અંદાજે 90 લાખ થઈ જશે. આ યોજના 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને NPSમાંથી UPS પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે.