ગુજરાતનો એવો જિલ્લો… જ્યાં તમામ ઉચ્ચ હોદ્દાઓ પર મહિલાઓ!
સંકેત પટેલ, અરવલ્લીઃ ગુજરાત રાજ્યમાં એકમાત્ર અરવલ્લી જિલ્લો એવો છે કે, જેના તમામ સર્વોચ્ચ સ્થાને મહિલાઓ હોદ્દા પર છે. કલેકટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા ન્યાયાધીશ, જિલ્લા પંચાયત પ્રમુખ જેવા મોટા હોદ્દાઓ પર મહિલાઓ સત્તા પર છે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનો મોટું ઉદાહરણ અરવલ્લી જિલ્લો બન્યો છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશ અને દુનિયામાં મહિલાઓની પુરુષ સાથે ખભેથી ખભો મિલાવવા માટેના અનેક ઉદાહરણ આપવામાં આવે છે. પરંતુ ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં આ ઉદાહરણ સાર્થક થયેલું જોવા મળે છે. આ જિલ્લાના તમામ સર્વોચ્ચ હોદ્દાઓ પર મહિલાઓ સત્તા પર છે અને જિલ્લાનું શાસન કરે છે. અરવલ્લી જિલ્લામાં શાસન, સુરક્ષા, ન્યાય અને ગ્રામીણ વિકાસની દિશા બતાવનાર તમામ મહિલાઓ છે. આ સ્ત્રી સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ સમગ્ર રાજ્યમાં બન્યું છે.
અરવલ્લી જિલ્લાનું શાસન સંભાળતા જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક, સુરક્ષાના સુકાની જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ, જિલ્લાના પ્રિન્સિપાલ જજ એ.એન અંજારિયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોરનો સમાવેશ થાય છે. આ તમામ ચહેરાઓ જિલ્લાનું સુકાન જવાબદારીપૂર્વક સંભાળઈ રહ્યા છે. જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર હોય કે જિલ્લાના વિકાસના પ્રશ્નો સાથે જિલ્લામાં ન્યાયના પ્રશ્નો તમામ બાબતો મહિલાઓના શિરે જોવા મળી રહી છે.
વિશ્વ મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લો મહિલાના શાસનમાં અવ્વલ જોવા મળી રહ્યો છે. એસપી શૈફાલી બરવાલે મહિલાઓને તમામ ક્ષેત્રે નીડર થઇ ખુદથી સક્ષમ થવા આગળ વધવાની અપીલ કરી હતી. આ સાથે જ મહિલાઓ કોઈ પણ બાબતમાં પાછળ નથી તેવું પણ જણાવ્યું હતું. જિલ્લા કલેકટરે આજના દિવસે સામાજિક અપીલ કરતા જણાવ્યુ હતુ કે, જેમ વડીલો આશિર્વાદ આપે છે કે, પુત્રવાન ભવઃ પણ હવે એવું નહીં પુત્રવતી ભવઃ એવો આશીર્વાદ આપવો જોઈએ. પુત્રીઓને શિક્ષણમાં આગળ લાવવાની જરૂર છે. કારણ કે જવાબદારી, શાસનમાં સ્ત્રીઓની ભાગીદારી વધી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાને રાજ્યમાં વિકાસની ગતિમાં આગળ રાખવા ટિમ અરવલ્લી મજબૂતાઈથી આગળ વધી રહી છે.