October 6, 2024

બંગાળમાં કેમ વધી રહ્યા છે દુષ્કર્મના કેસ? રાજ્યપાલે મમતા સરકારને ગણાવી જવાબદાર

West Bengal:  પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના જયનગરમાં એક સગીર બાળકી પર કથિત રીતે દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ રાજ્યના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મમતા સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે આવા ગુનાઓમાં સમયસર પગલાં ન લેવા પાછળ રાજ્ય સરકારનો હાથ છે.

શનિવારે સાંજે રાજ્યપાલ ભવન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રાજ્યપાલ સીવી આનંદ બોઝે મમતા સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે આર જી કર મેડિકલ કોલેજમાં દુષ્કર્મ અને હત્યાની ઘટનાને યોગ્ય રીતે સંભાળી નથી. જેના કારણે રાજ્યમાં આવી જઘન્ય ઘટનાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું
આ ઘટના માટે રાજ્યને જવાબદાર ઠેરવતા રાજ્યપાલ સીવી આનંદ બોઝે જણાવ્યું હતું કે, સમયસર પગલાં ન લેવાને કારણે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. સરકારે આ જઘન્ય અપરાધના ગુનેગારો સામે નક્કર અને નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. અન્યથા તે રાજ્યમાં દુષ્કર્મ અને હિંસાને પ્રોત્સાહન આપવા સમાન હશે.

આ પણ વાંચો: SCOમાં ભાગ લેતા પહેલા પાકિસ્તાન પર ભડક્યા જયશંકર, જાણો શું કહ્યું…

તેમણે આગળ કહ્યું, “હવે સમય આવી ગયો છે કે સરકાર સમજે કે ઉપચાર કરતાં રોકથામ વધુ સારી છે, બંગાળમાં વર્તમાન સરકારમાં હિંસાનો કોઈ ઈલાજ દેખાતો નથી. આ એકદમ વિચિત્ર છે.

પોલીસ ચોકીને આગ લગાડી
સગીરનો મૃતદેહ મળ્યા બાદ સ્થાનિક લોકોએ જયનગરમાં પોલીસ ચોકીને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત રોષે ભરાયેલા લોકોએ વાહનોની તોડફોડ કરી હતી. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, દુષ્કર્મ અને હત્યાની ઘટનાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.