October 26, 2024

એરપોર્ટના ટર્મિનલ-2 પર વધારાનો પેસેજ ખુલ્લો મુકાયો, મુસાફરોને મળશે વધુ સુવિધાઓ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 2માં વધારાનો પેસેજ ખુલ્લો મુકવામાં આવ્યો છે. 2100 સ્ક્વેર ફૂટમાં સમગ્ર પેસેજ તૈયાર કરી નવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. ટર્મિનલ 2માં નવા પેસેજમાં મુસાફરોને 20 થી વધુ નવા કાઉન્ટર મળશે. જેથી મુસાફરોએ ચેકઇન કરવું વધુ સરળ બનશે. આ ઉપરાંત સેલ્ફ ચેકઇન અને સેલ્ફ લગેજ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ ઉપર પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને નવો પેસેજ તૈયાર કરાયો છે. ટર્મિનલ 2માં અત્યાર સુધી 36 કાઉન્ટર હતા. પરંતુ ટર્મિનલ 2 નો વધારાનો પેસેજ આજે ખુલ્લો મુકતા તેમાં નવા 20 કાઉન્ટર વધારવામાં આવ્યા છે.એટલે ટર્મિનલ 2માં હવે મુસાફરોને 36 નહીં પરંતુ 56 કાઉન્ટર મળશે.

આ ઉપરાંત ટર્મિનલ 2માં મુસાફરો સેલ્ફ ચેકઇન કરી શકે તે માટે પણ ચાર અલગ અલગ કિઓસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મુસાફરો લાઈનમાં ઊભા રહ્યા વગર જાતે જ ચેકઇન કરી શકશે. સાથે સાથે સેલ્ફ લગેજ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે એરલાઈન દ્વારા નિયત કરેલો લગેજ અથવા તેનાથી ઓછો લગેજ હશે તો મુસાફર જાતે જ પોતાનો લગેજ મોકલી શકશે જો વજન વધુ હશે તો મુસાફરનો લગેજ સેલ્ફ લગેજમાં નહીં જઈ શકે.

આ ઉપરાંત ટર્મિનલમાં પ્રવેશતાં જ ગુજરાતની સંસ્કૃતિની ઝલક ઊભી થાય તે માટે સિંહોની પ્રકૃતિ રાખવામાં આવી હતી. તેમજ ચેક ઈન કાઉન્ટર પર જર્ની ઓફ એપ્રિશિયેશન વોલ તૈયાર કરાઈ છે. જેના શહેરનાં હેરિટેજ વિસ્તારની સાથે સાથે રાજ્યની પ્રકૃતિ અને તહેવારોની પ્રકૃતિ દર્શાવવામાં આવી છે.