November 22, 2024

કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે ગૃહમાં વિરોધ નોંધાવ્યો, અમિત ચાવડાએ કહ્યું; ‘ડબલ એન્જીન સરકાર…’

પ્રશ્નોત્તરી દરમિયાન આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ વીજળીના દર અને અદાણીને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ધારાસભ્ય અમિત ચાવડાએ આરોપ લગાવતા કહ્યું કે, ડબલ એન્જિન સરકારમાં ફક્ત માનીતાઓને ડબલ ફાયદો મળી રહ્યો છે. તો બીજી તરફ ધારાસભ્ય તુષાત ચૌધરીએ પણ અદાણી પાવરને લઈને પ્રશ્નો પૂછ્યા હતા.

ગરીબ લોકોને આપવા સરકાર પાસે પૈસા નથી, પરંતુ અદાણીને આપવા પૈસા છે – અમિત ચાવડા 

કોંગી ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, ડબલ એન્જીન સરકારમાં ફક્ત માનીતાઓને ડબલ ફાયદો મળી રહ્યો છે. ફક્ત એકબીજાને ફાયદો કરાવવા કામ થઈ રહ્યાં છે. પ્રજાના ટેક્સના પૈસા બારોબાર પોતાના માનીતાઓને ફાયદો કરાવવા વપરાતા હોવાના આરોપ અમિત ચાવડાએ લગાવ્યા હતા. વધુમાં અદાણી પવારને લઈને તેમણે કહ્યું કે, વર્ષ 2007 માં અદાણી પાવર સાથે 25 વર્ષ માટે કરાર કરાયો હતો.

કરારમાં નિયત રકમ કરતા 2 થી 3 ગણો વધુ ભાવ આપી વિજળી ખરીદવામાં આવી રહી છે. બીડ-1 માં રૂ. 2.89 અને બીડ 2 માં 2.35 પૈસા ભાવ નક્કી થયો હતો. સરકારે અદાણીને વર્ષ 2022માં 7.185 પૈસા પ્રતિ યુનિટ અને વર્ષ 2023માં રૂ. 5.33 પૈસા પ્રતિ યુનિટ ભાવ આપ્યો હતો. વર્ષ 2022માં રૂ. 4315 કરોડ વધુ ચૂકવાયા જ્યારે વર્ષ 2023માં રૂ. 3950 કરોડ વધુ ચૂકવાયા હોવાનું તેમણે કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, સામાન્ય નાગરિકને એક રૂપિયો ચૂકવવાનો હોય તો તે સરકારી કચેરીના ધક્કા ખાઈને થાકી જાય છે પરંતુ સરકાર અદાણીને સામે ચાલીને પૈસા આપી રહીં છે. હજૂ કરાર મુજબ 8 વર્ષ બાકી છે ત્યારે અમારી માગ છે કે, કરારની સમીક્ષા થાય અને વિજ કંપની કરાર મુજબ વિજળી આપવા સહમત ન હોય તો કરાર રદ્દ કરી ફરી બીડ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, આશા વર્કર કે ગરીબ લોકોને આપવા સરકાર પાસે પૈસા નથી, પરંતુ અદાણીને આપવા પૈસા છે.

અદાણી કંપની પાસેથી કેટલા દરે વીજળીની ખરીદી કરાઈ ? – તુષાર ચૌધરી 

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્ય તુષાર ચૌધરીએ પણ અડણીને લઈને ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે કહ્યું, અદાણી પાવર લિ. સાથે વીજ ખરીદીના કરારો કેટલા દરે નક્કી કર્યા છે ?  છેલ્લા બે વર્ષમાં અદાણી કંપની પાસેથી કેટલા દરે વીજળીની ખરીદી કરાઈ છે ? યુનિટ દીઠ કેટલા દરે કેટલા માસ દિઠ વધુુ રકમની ખરીદી કરાઈ ?  તે ખરીદી માટેના કારણો શું ? આમ ધારાસભ્ય તુષાર ચૌધરીએ પણ અદાણીને લઈને સરકારને પ્રશ્નો કર્યા હતા.

25 વર્ષથી સરકાર અદાણી પાસેથી વીજળી ખરીદી રહી છે

કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા ઉર્જા મંત્રીએ જવાબ આપતા ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું કે, 25 વર્ષથી સરકાર અદાણી પાસેથી વીજળી ખરીદી રહી છે. છેલ્લા બે વર્ષમાં અદાણી પાસે થી 13,372 મિલિયન યુનિટ વીજળી ખરીદી કરવામાં આવી છે. રાજ્ય સરકારે બે વર્ષમાં કુલ 2,531 કરોડ રૂપિયા ફિક્સ ચાર્જ હેઠળ અદાણીને ચુકવ્યા છે. એનર્જી ચાર્જ યુનિટ દીઠ છેલ્લા બે વર્ષમાં 8036.35 વપરાયો છે. વધુમાં તેમણે કહ્યું કે, ઈન્ડોનેશિયામાં કોલાસના ભાવ વધતા વીજળી મોંધી થઈ હતી. ઇન્ડોનેશિયામાં કોલસાના ભાવ 90 યુ.એસ ડોલર હતો પરંતુ ગત વર્ષ 2021 થી વર્ષ 2022 માં યુએસ ડોલરનો ભાવ 331 મેટ્રિક ટન થતા વીજળી મોંઘી થઈ હતી.

આ પણ વાંચો : Gandhinagar : પ્રશ્નોત્તરી દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરીએ નીતિન પટેલને યાદ કર્યા

તો બીજી તરફ વિધાનસભાના સત્ર વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધરસભ્યોએ બેનરો સાથે વિધાનસભાના ગૃહમાં વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે મોદી અદાણી ભાઈ-ભાઈ, વીજ ખરીદીમાં ખાઈ મલાઈના પોસ્ટરો સાથે ગૃહમાં વિરોધ નોંધાવ્યો હતો.