ભરૂચ લોકસભા બેઠક પર વસાવા VS વસાવાનો જંગ, જાણો આ બેઠકના લેખાજોખા
(પ્રવિણ પટવારી, જય વ્યાસ)
ભરૂચ: રાજ્યની એવી લોકસભા બેઠક કે જ્યાં દેશનું બીજા નંબરનું સૌથી પૌરાણિક શહેર આવેલું છે અને આ શહેર છે ભરૂચ. ભરૂચ એટલે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ પરંતુ આજના જમાનામાં આ ભાંગ્યું ભાંગ્યું ભરૂચ જાણે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ભરૂચનીવાત કરવામાં આવે તો ભરૂચ દેશમાં કાશી પછીનું બીજા નંબરનું સૌથી પૌરાણિક શહેર છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભરૂચને ભૃગુ કચ્છ તરીકે ઓળખવામાં આવતું હતું અને ભરૂચની સ્થાપના ભૃગુઋષિએ કરી હતી. આ બાદ અંગ્રેજોના સમયમાં ભરૂચને બ્રોચ તરીકે ઓળખવામાં આવતું હતું. એ સમયમાં ભરુચ એક જાણીતા બંદર તરીકે ઓળખાતું હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ભરૂચનો પણ વિકાસ થતો ગયો.
ભરૂચની ઓળખ આમ તો ઘણી બધી વસ્તુઓથી થાય છે પરંતુ ભરૂચની ઓળખ ગોલ્ડન બ્રિજના નામથી થાય છે. ભરૂચમાં ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ આવેલો છે. આ સાથે અનેક એવી જગ્યાઓ છે જે ફરવા લાયક છે જેમાં યાત્રાધામ કબીરવડ, કાવી કંબોઈ ખાતે આવેલ સ્તભેશ્વર મહાદેવ મંદિર, ભરૂચમાં આવેલ નર્મદા પાર્ક. આ સહિતના સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે. ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે અનેક નાના-મોટા શિવાલયો આવેલા છે જ્યાં ભક્તો શિવ ભક્તિ કરે છે. આમ તો ભરૂચ પૌરાણિક નગરી છે પરંતુ હાલ ભરૂચને ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આવેલી છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, વાગરા, વિલાયત અને દહેજમાં નાના-મોટા 2500થી વધુ ઉદ્યોગો આવેલા છે. ખાસ કરીને આ ઉદ્યોગો કેમિકલ ક્ષેત્રને લગતા છે. આથી ભરૂચને કેમિકલ કલસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે જ ભરૂચમાંથી મહત્ત્વના પ્રોજેક્ટો પણ પસાર થયા છે તેના પર નજર કરવામાં આવે તો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, ફ્રેઇટ કોરિડોર, બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રના SPG અધ્યક્ષ કલ્પેશ રાંકએ પરશોત્તમ રૂપાલાને સમર્થન આપ્યું
સમગ્ર રાજ્યમાં ભરૂચ લોકસભા બેઠક ચર્ચાના કેન્દ્ર સ્થાને છે એના ઘણા બધા ફેક્ટર છે. આદિવાસીઓ અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર વસાવા સામે વસાવાનો જંગ ખેલાશે ત્યારે આવો જાણીએ ભરૂચ લોકસભા બેઠકના લેખાજોખા…
એશિયાની સોથી મોટી ઓદ્યોગિક વસાહત અંકલેશ્વર, પુણ્ય સલીલા માં નર્મદા અને કબીરવડ જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામનો સંગમ ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લી 6 ટર્મથી ભાજપના સાંસદ મનસુખ વસાવા જીતતા આવ્યા છે અને મોટો ટ્રાયબલ બેલ્ટ ધરાવતી આ બેઠક પર 17 લાખ મતદારો પૈકી 4.47 લાખ મતદારો આદિવાસી છે ત્યારે રાજકીય પાર્ટીઓની પહેલી પસંદ પણ આદિવાસી જ બને છે. જેને લઇ ભરૂચ લોકસભા પર આદિવાસી પ્રભુત્વ ધરાવે છે. સાંસદ મનસુખ વસાવા… ભાજપ દ્વારા આ વખતે પણ છેલ્લી 6 ટર્મથી સાંસદ એવા મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. મનસુખ વસાવા આખાબોલા નેતાની છાપ ધરાવે છે. પ્રજાના પ્રશ્ન અધિકારીઓને ખખડાવતા તેઓ ખચકાતા નથી, જેના કારણે તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. મોટો રાજકીય અનુભવ ધરાવતા મનસુખ વસાવા દ્વારા જોરશોરથી પ્રચાર કાર્ય કરવામાં આવી રહ્યું છે અને પોતાની ભવ્ય જીતનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ભરૂચ લોકસભા બેઠક માટે ઇન્ડિયા ગઠબંધને દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરતાં કોંગ્રેસમાં ભડકો થયો હતો. કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ આપ સાથે જોડાણ કરી ગુજરાતમાં ભાવનગર અને ભરૂચની બેઠક આપને આપી છે. ભરૂચ બેઠક પર ઉમેદવારીને લઇને કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી હતી. કોંગ્રેસમાંથી ભરૂચ બેઠક પર મરહુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને તેમની પુત્રી મુમતાઝ પટેલની દાવેદારી નિશ્ચિત માનવામાં આવી રહી હતી પરંતુ અચાનક જ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવાતા કોંગ્રેસનો એક વર્ગ નારાજ થયો હતો.
કોંગ્રેસની નારાજગી વચ્ચે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા શરૂઆતમાં જ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેઓ દ્વારા ગામે ગામ ફરીને લોક સંપર્ક કરવામાં આવી રહ્યો છે. છેલ્લા છ વર્ષમાં મનસુખ વસાવાએ કાર્યો ન કર્યા હોવાનો મુદ્દો આગળ કરીને તેઓ લોકો પાસે મત માંગવા પહોંચી રહ્યા છે અને આ વખતે પરિવર્તન આવશે તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે.
વાત થઈ આ ચૂંટણીમાં ઉભેલા બંને મહારાથીઓની પરંતુ ભરૂચ લોકસભા બેઠકનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. ભરૂચ લોકસભા બેઠક પર પહેલી ચૂંટણી ક્યારે યોજાઇ હતી અને આ બેઠક પર કયા પક્ષનો દબદબો રહ્યો છે.
ભરૂચ લોકસભા બેઠક ભાજપ 10 અને કોંગ્રેસ 8 વખત જીત્યું છે. ભરૂચ લોકસભા બેઠક પર પ્રથમ વખત 1951માં ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટ વિજેતા બન્યાં હતાં. 1989 બાદથી આ બેઠક પર ભાજપ વિજેતા બનતું આવ્યું છે. ભાજપના ચંદુભાઇ દેશમુખ 4 વખત, મનસુખ વસાવા 6 વખત જયારે કોંગ્રેસના અહમદ પટેલ 3 વખત વિજેતા બન્યાં છે. ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો તેમાં ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, વાગરા, ઝઘડિયા, દેડિયાપાડા અને કરજણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. એક માત્ર દેડિયાપાડાને બાદ કરતાં બાકીની તમામ 6 બેઠકો પર હાલ ભાજપનો કબજો છે. 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જંબુસરની બેઠક ગુમાવી હતી. જયારે ભાજપે પ્રથમ વખત ઝઘડિયા બેઠક પર ભગવો લહેરાવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતનાં એક ગામડાંની સરોગેટ મધરની વાર્તા, મોટા પડદા પર આવશે ‘દુકાન’
ભરૂચ બેઠક પર ગત ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી તરફથી આદિવાસીઓના રોબિન હુડ ગણાતા છોટુ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી. 2019માં થયેલી લોકસભાની ચૂંટણીના પરિણામ પર નજર નાખવામાં આવે તો ભાજપને 6.37 લાખ, કોંગ્રેસને 3.03 લાખ અને બીટીપીને 1.44 લાખ મત મળ્યાં હતાં. તો સાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવે તો સાત વિધાનસભા મળી ભાજપને કુલ 6.14 લાખ, કોંગ્રેસને 3.19 લાખ અને આપને 1.54 લાખ મત મળ્યાં છે. દેડિયાપાડા, ભરૂચ અને ઝઘડિયાને બાદ કરતાં એક પણ બેઠક પર આપનો ઉમેદવાર 10,000 મતના આંકડાને પાર કરી શકયો નથી. 7 વિધાનસભામાં ભાજપને મળેલા મતની સરેરાશ ટકાવારી 52.16 ટકા, કોંગ્રેસની 27.86 અને આપની 12.17 ટકા થાય છે. સરેરાશ ટકાવારીમાં ગઠબંધન કરતાં ભાજપના મત 12 ટકા જેટલા વધારે થાય છે.
ભરૂચ લોકસભા બેઠક આ ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં હોટ સીટ બની રહી છે કારણકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા અને મનસુખ વસાવા એટલે કે આદિવાસી vs આદિવાસીનો જંગ જોવા મળી રહ્યો છે. એક મહત્વની વાત આ બેઠક પર એ છે કે બેઠક ભલે ભરૂચ લોકસભા હોય પરંતુ ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના જે બન્ને ઉમેદવારો છે તે નર્મદા જિલ્લાના રહેવાસી છે. ભરૂચ લોકસભામાં આવતી 7 વિધાનસભાઓમાં 6 વિધાનસભા ભાજપ પાસે છે. તાલુકા જિલ્લા અને નગરપાલિકાઓ પણ ભાજપ પાસે છે. પરંતુ માત્ર એક વિધાનસભા આમઆદમી પાર્ટી પાસે છે. તે નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક અને આમ આદમી પાર્ટી આ બેઠક પર તેમના ધારાસભ્ય ચૈતર વસાવા પર બાજી રમી રહ્યા છે. પરંતુ મુશ્કેલી એવી પણ સામે છે કે ઇન્ડિયા ગઠબંધના ઉમેદવાર જાતે નર્મદા જિલ્લાની હદ પારના શરતી જામીન પર છૂટ્યા હોય તેમનાથી નર્મદા જિલ્લામાં પ્રચાર કરવા આવી શકાતું નથી. ત્યારે તેમની ગેરહાજરીમાં તેમની પત્નીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. ભરૂચ બેઠક પર જાતિવાર મતદારોની વાત કરીએ તો આ બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે.
ભરૂચ બેઠક પર મતદારો
આદિવાસી – 534308
મુસ્લિમ – 388559
ઓબીસી – 274067
દલિત – 169869
પાટીદાર – 118921
રાજપુત – 59233
બીજા સવર્ણ – 16805
ભરૂચ લોકસભા બેઠક પર આમ તો વિકાસના ઘણા કાર્યો થયા છે પરંતુ હજુ પણ એવા કેટલાક કાર્યો છે જે બાકી છે મતદારોના હજુ પણ ઘણા એવા વણઉકેલ્યા પ્રશ્નો છે જેનો સરકાર પાસે કોઈ જ હલ નથી.
ભરૂચ લોકસભાની બેઠકની વાત કરીએ તો આ બેઠક પર આવતા વિસ્તારોમાં વિકાસ તો થયો છે પરંતુ હજુ પણ ઘણા વણ ઉકેલ્યા પ્રશ્નો છે. સૌપ્રથમ ભરૂચની વાત કરીએ તો ભરૂચ શહેરમાં હજુ પણ ભૂગર્ભ ગટર લાઈનનો પ્રશ્ન છે. આ ઉપરાંત ટ્રાફિકજામની પરિસ્થિતિનું વારંવાર નિર્માણ થાય છે. આ સાથે જ ભરૂચ અને અંકલેશ્વરને ટ્વીન સીટી બનાવવાના વાયદાઓ હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યા નથી. બીજી તરફ ભરૂચના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન છે. આ ઉપરાંત સરકારના જે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જેમ કે એક્સપ્રેસ વે, ભાડભુત બેરેજ યોજના આ તમામ પ્રોજેક્ટમાં ખેડૂતોની જે જમીન સંપાદન કરવામાં આવી છે તેના ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સાથે જ ભરૂચ ઔદ્યોગિક જીલ્લો હોવાથી પ્રદૂષણના પ્રશ્નો પણ દિન પ્રતિદિન વક્રી રહ્યા છે. આ તરફ ચોમાસામાં ભારે વરસાદને તેમજ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પુરના કારણે લોકોની ઘરવખરી તો કાંઠા વિસ્તારની જમીનનું મોટાપાયે ધોવાણ થાય છે. આ તમામ સમસ્યાનું નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.