October 6, 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના તાપીમાં 1 ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 તાલુકમાં વરસાદ વરસ્યો છે. જેમાં રાજ્યમાં 6 તાલુકમાં અડધો ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી વધુ વલસાડના તાપીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. મહેસાણાના જોટાણામાં પણ 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

અરવલ્લીના માલપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડતા માલુપરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. તાલુકાના મોરડુંગરી, ભેમપુર, રુઘનાથ પુર, અંબાવા, કોયલીયા, સોનિકપુરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે.

તો બીજી તરફ, વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળી, કપાસ, સોયાબીનના પાકને જીવનદાન મળ્યું છે. વરસાદને કારણે લોકોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.