સુરતમાં ‘પર્યાવરણ બચાવો’ના સંદેશ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી
અમિત રૂપાપરા, સુરત: વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ માટે પર્યાવરણ એક ગંભીર મુદ્દો બની ગયો છે. કારણ કે વધતા જતા પ્રદૂષણ વચ્ચે શુદ્ધ હવા એક ચિંતાનો વિષય બની છે. ત્યારે સુરતના ગ્રીન મેન કહેવાતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા પર્યાવરણના જતન માટે ખૂબ જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરતમાં અલગ-અલગ જગ્યા પર ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અર્બન ફોરેસ્ટ ઊભા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ગણેશ મહોત્સવની ઉજવણી પણ પર્યાવરણ બચાવોના સંદેશ સાથે કરવામાં આવી રહી છે.
ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા પોતાની જ કંપનીમાં પર્યાવરણ બચાવોની થીમ આધારિત આર્ટિફિશિયલ અને રિયલ પ્લાન્ટનું એક નાનું એવું જંગલ ઊભું કરીને ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે અલગ-અલગ શાળાના બાળકોને દસે દસ દિવસ આ ગણેશ પંડાલ પર લાવવામાં આવે છે અને પ્રકૃતિના જતન માટે બાળકોને તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. દસ દિવસ સુધી અલગ-અલગ શાળાના પાંચથી સાત હજાર બાળકોને પ્રકૃતિના જતન વિશે આ ગણેશ મહોત્સવમાં ગ્રીન મેન વિરલ દેસાઈ દ્વારા જાગૃત કરવામાં આવશે.
મહત્વની વાત એ છે કે ગ્રીનમેન વિરલ દેસાઈની સાથે વન વિભાગ, GPCB અને સુરત પોલીસ ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. વિરલ દેસાઈની કંપનીમાં એક વૃક્ષની અંદર તેમને ગણેશજીના દર્શન થયા હતા અને પ્રકૃતિ જ ભગવાન છે તેના સૂત્ર સાથે વિરલ દેસાઈ દ્વારા આ વૃક્ષમાં જ ગણેશજીની દસ દિવસ સુધી પૂજા અર્ચના કરવાનું નક્કી કર્યું. વર્ષ 2018થી વૃક્ષની અંદર જ ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે અને આ પ્રતિકૃતિની મદદથી પર્યાવરણ જ ભગવાનનું સ્વરૂપ છે તેનો સંદેશો દર્શન કરવા આવતા લોકો તેમ જ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ પણ પર્યાવરણના જતનમાં પોતાનો ભાગ ભજવી શકે એટલા માટે જેટલા પણ વિદ્યાર્થી ગણેશજીના દર્શન માટે આવે છે તેમને એક એક છોડ આપવામાં આવે છે.
આ પણ વાંચો: ગણપતિ ઉત્સવમાં અખંડ ભારત સાથે રાષ્ટ્રવીરો અને રાષ્ટ્રદ્રોહીઓની ઝાંખી કરાવતી હિન્દુ સેના
વિરલ દેસાઈ દ્વારા સુરતમાંથી શરૂ કરવામાં આવેલા આ પર્યાવરણના મહાયજ્ઞમાં અનેક લોકો જોડાયા છે. તો બીજી તરફ સુરત પોલીસ પણ પર્યાવરણ બચાવોના કામમાં સહકાર આપી રહી છે અને એટલા માટે જ રાજ્યનું સૌથી પહેલું ગ્રીન પોલીસ સ્ટેશન સુરતનું કાપોદ્રા પોલીસ સ્ટેશન બન્યું છે અને પર્યાવરણ બચાવોની થીમ આધારિત આ ગ્રીન પોલીસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ વિરલ દેસાઈ અને તેમની ટીમ દ્વારા સુરત અને તેની આસપાસમાં સાત અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે અને ઉધના વિસ્તારમાં જે અર્બન ફોરેસ્ટ રેલ્વે સ્ટેશન પાસે તૈયાર કરવામાં આવ્યું છે તેના ચોંકાવનારા પરિણામો પણ સામે આવ્યા છે. આ અર્બન ફોરેસ્ટ થી ઉધનાના જે વિસ્તારમાં ઔદ્યોગિક પ્રદૂષણ જોવા મળતું હતું તે ઔદ્યોગિક પ્રદૂષણ ખૂબ ઓછું થયું છે અને એસવીએનઆઇટી દ્વારા આ બાબતે રિસર્ચ પણ કરવામાં આવી હતી.
મહત્ત્વની વાત એ છે કે ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા પર્યાવરણ માટે સત્યાગ્રહ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ આ અભિયાન વિશે માહિતી મેળવે છે તેઓ પર્યાવરણ બચાવવાના આ સત્યાગ્રહ અભિયાનમાં જોડાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જો શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અત્યારથી જ પર્યાવરણનું મહત્વ સમજાશે તો આવનારી પેઢી પણ પર્યાવરણનું જતન કરતા શિક્ષક અને આ જ આશયથી પર્યાવરણ થીમ આધારિત ગણેશ મહોત્સવ ની ઉજવણી કરાઈ છે.