આવાસના મકાનોના બોગસ પઝેશન લેટર આપી ગરીબો સાથે છેતરપિંડી કરનારા બે આરોપીની ધરપકડ

મિહિર સોલંકી, અમદાવાદઃ આવાસના મકાનોના બોગસ પઝેશન લેટર આપી ગરીબ લોકો સાથે છેતરપિંડી કરનારા વધુ બે આરોપીઓની સોલા પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આરોપીઓની મદદ કરનારા અન્ય કોઈ નહીં બિલ્ડરનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ આરોપીઓએ ન માત્ર સોલા પરંતુ શહેરના અન્ય આવાસના મકાનોના બોગસ પઝેશન લેટર બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો પણ ખુલાસો થયો છે. આ અંગે સોલા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
સોલા પોલીસની કસ્ટડીમાં રહેલા આ ત્રણ આરોપીઓના નામ વિપુલ જૈન, ફેઝ મોહમ્મદ નિયાજ અને કહોળાભાઈ ઉર્ફે ખોડાભાઈ બઢિયા છે. આ ત્રણેય આરોપીની ત્રિપુટીએ ગરીબોને આવાસ યોજનાના મકાનો સસ્તા ભાવે આપવાની લાલચ આપી તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હતા અને બોગસ પઝેશન લેટરો પણ આપ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટરે તપાસ કરતા કુલ 21 મકાનો ખોટી રીતે ફાળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જો કે, પોલીસે આરોપીઓની તપાસ કરતા અન્ય ભોગ બનનાર લોકો પણ સામે આવ્યા છે. આ તમામને મકાન દીઠ સાડા છ લાખ રૂપિયા આરોપીઓએ મેળવી આ છેતરપિંડી કરી છે.
આવાસ મકાનોની છેતરપિંડીના ગુનામાં તપાસ કરતા હકીકત સામે આવી કે, કુલ 32 લોકો આ ત્રિપુટીના કૌભાંડનો ભોગ બન્યા છે. આ સાથે જ આરોપીઓ અસલ ઓળખ છુપાવવા માટે શુક્લા સાહેબ અને સૈયદના નામનો ઉપયોગ કરતા હતા. સોલા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓની છેતરપિંડીનો આંક 32 લાખ સુધી પહોંચી રહ્યો છે. આ સાથે જ આરોપીઓ પાસેથી ન માત્ર સોલા પરંતુ ગોતા અને હંસપુરા-નિકોલના આવાસના મકાનોનાં ખોટા પઝેશન લેટર પણ મળી આવ્યા છે. જેથી એ મકાનો મેળવનારા લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, મુખ્ય આરોપી શેખ મોબાઈલમાં જ આવા બોગસ લેટરો બનાવી તેની પ્રિન્ટ કઢાવી લોકોને આપી રૂપિયા પડાવી લેતો હોવાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા ત્રણેય આરોપીની તપાસ કરતા હકીકત સામે આવી કે, કોહળાભાઈ ખાલી મકાનોની વિગત આરોપીને આપી એક મકાન દીઠ ચારથી પાંચ હજાર રૂપિયા મેળવી લેતો હતો. આ ઉપરાંત મુખ્ય આરોપી શેખ આ જ પ્રકારની છેતરપિંડીના ગુનામાં અગાઉ માધુપુરા, રખિયાલ, વટવા અને કાગડાપીઠમાં પકડાઈ ચૂક્યો છે. જેથી પોલીસને આશંકા છે કે, આરોપીઓની તપાસમાં અન્ય ભોગ બનનાર લોકો સામે આવી શકે છે અને આ ત્રિપુટીનું કૌભાંડ પણ હજુ મોટું ખૂલે તેવી શક્યતાઓ છે.