September 17, 2024

મહિલા મિત્રએ અન્ય મહિલા મિત્રને બ્લેકમેઇલ કરી 3 લાખ પડાવ્યાં!

ahmedabad friend blackmail another friend and take 3 lakhs

પોલીસે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાંથી અવારનવાર ક્રાઇમના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રૂપિયા મેળવવા માટે મહિલા મિત્રએ તેની અન્ય મિત્રને બ્લેકમેઇલ કરી હતી. ત્યારબાદ તેની પાસેથી 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા. મહિલાને કેફી દ્રવ્ય પીવડાવી અંગત ફોટા પાડીને બ્લેકમેઇલ કરી હતી. આ મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી પતિ-પત્ની સહિત કુલ 3 વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સરદારનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આ ત્રણ આરોપીઓના નામ પૂજા દાવર. તેના પતિ રાજેશ દાવર અને મંજુ અહુજા છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ 35 વર્ષીય લોન એજન્ટ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. મુખ્ય આરોપી પૂજા દાવરની મહિલા મિત્રને કેફી પીણું પીવડાવી પરપુરુષ સાથે તેના ફોટા પાડ્યા હતા અને તે ફોટા વાયરલ ન કરવા માટે ફરિયાદી પાસેથી રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા. જો કે, આરોપીએ વધુ 50 હજારની માગ કરતા ફરિયાદીએ પરિવારને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વર્ષ 2022માં ભોગ બનનાર વ્યક્તિ આ ગુનાની સહ આરોપી મંજુ અહુજાને લઈ મુખ્ય આરોપી પૂજાના ઘરે લોનની કામગીરી માટે ગઈ હતી. તે સમયે ત્રણેય આરોપીએ રચેલા પ્લાન મુજબ અન્ય એક પુરુષ હાજર હતો અને ભોગ બનનારને કેફી પીણું પીવડાવી તેના ફોટા પાડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલા પાસેથી અવારનવાર કુલ 3 લાખ રૂપિયા આરોપીએ મેળવી લીધા હતા. તેમ છતાં આરોપીઓનો ત્રાસ ચાલુ રહેતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે પતિ-પત્ની અને અન્ય એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, પોલીસની તપાસમાં વધુ એક મહિલા આ ટોળકીનો ભોગ બની છે. જેની પોલીસ શોધખોળ કરી વધુ એક ગુનો નોંધી શકે છે.