September 17, 2024

‘દેશમાં બનશે વચગાળાની સરકાર’, શેખ હસીનાના બાંગ્લાદેશ છોડ્યા બાદ સેનાનું નિવેદન

બાંગ્લાદેશ: હિંસાની આગમાં સળગી બાંગ્લાદેશમાં સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને સરકારી મિલકતોને આગ લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને સેનાના વિશેષ હેલિકોપ્ટરમાં ભારત આવવા રવાના થયા છે.

બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં બનશે વચગાળાની સરકાર
બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા વચ્ચે આર્મી ચીફે ભીડને શાંતિની અપીલ કરી છે. આર્મી ચીફે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે તમારી માંગણીઓ પૂરી કરીશું. તોડફોડથી દૂર રહો. તમે લોકો અમારી સાથે આવો તો અમે પરિસ્થિતિ બદલી નાખીશું. મારામારી, અરાજકતા અને સંઘર્ષથી દૂર રહો. અમે આજે પાર્ટીના તમામ નેતાઓ સાથે વાત કરી છે. રિપોર્ટ અનુસાર શેખ હસીના ભારત જવા રવાના થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીનાની બહેન પણ તેમની સાથે છે. શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષા દળોને તખ્તાપલટના સંભવિત પ્રયાસોને સફળ ન થવા દેવા વિનંતી કરી છે. સત્તાધારી અવામી લીગના કાર્યકરોને નિશાન બનાવતા મુખ્ય વિપક્ષી પાર્ટી BNPના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

નોકરીમાં અનામત નાબૂદ કરવા અને પ્રધાનમંત્રી શેખ હસીના અને સત્તાપક્ષના સમર્થકોના રાજીનામાની માગણી કરતા વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 19 પોલીસકર્મીઓ સહિત 100 થી વધુ લોકો માર્યા ગયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે દેશભરમાં સેના તૈનાત છે.