May 20, 2024

ફ્રેન્ડશિપ ક્લબમાં જોડાવવાને નામે ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપિંડી

ડીસા પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર

બનાસકાંઠાઃ દિવસેને દિવસે છેતરપિંડીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસાના એક ખેડૂતને ફ્રેન્ડશિપ ક્લબમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ખેડૂતે આઠ વર્ષની મેમ્બરશિપ મેળવવાના ચક્કરમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, ડીસા તાલુકાના વાસણા ગામમાં રહેતા ખેડૂત સુખદેવ ગેલોતા સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં ખેડૂતને અન્ય યુવતીઓ સાથે વાતચીત કરાવીને લૂંટ ચલાવવામાં આવતી હતી. ખેડૂતને સિક્યોરિટી ચાર્જ, મેડિકલ ચેકઅપ ચાર્જ, ડ્રાઇવર ચાર્જ, ભાડાના ચાર્જના નામે અલગ અલગ ખાતા નંબરોમાંથી લાખો રૂપિયા જમા કરાવડાવ્યા હતા. અંદાજે ખેડૂત પાસેથી 92 લાખથી વધુ રૂપિયા જમા કરાવીને છેતરપિંડી આચરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ખેડૂતને વર્ષ 2014માં અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો અને તેના પર ફોન કરતા યુવતીએ ફ્રેન્ડશિપ ક્લબમાં જોડવવાની વાત કરી હતી. ત્યારે ખેડૂત તેના જાળમાં ફસાઈ ગયો હતો અને ફ્રેન્ડશિપ ક્લબમાં જોડાયો હતો. ત્યારબાદ અવારનવાર અલગ અલગ ચાર્જના નામે તેની પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા.

ત્યારે ખેડૂતને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડીની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાની જાણ થયા પછી ખેડૂતે છેતરપિંડી આચરનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ખેડૂતે ત્રણ લોકો સામે ડીસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખેડૂતે મહિલા જાનવી, સાહિલ અને ચિરાગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત જે.કે ઉર્ફે જીતુ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.