ભરૂચમાં 2 હજાર ક્ષત્રાણીઓનો PM મોદીને પત્ર, લખ્યું – રૂપાલાની ટિકિટ રદ કરો
જય વ્યાસ, ભરૂચઃ શહેરમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજપૂત સમાજ લાલઘૂમ થયો છે. ત્યારે રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2 હજાર પોસ્ટકાર્ડ લખી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા માગણી કરી છે. આ ઉપરાંત તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માગ કરી છે.
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન સામે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે ભરૂચ શહેર સહિત વિવિધ તાલુકા મથકે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના નિવેદનનો વિરોધ કરી તેઓની ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી છે. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા ‘ઓપરેશન રૂપાલા’ અને ‘બોયકોટ રૂપાલા’ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે ભરૂચમાં રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2 હજાર પોસ્ટકાર્ડ લખી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા અને તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માગ કરી હતી.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
પરશોત્તમ રૂપાલાએ રૂખી સમાજની એક જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે, ‘ક્ષત્રિયોએ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહાર કર્યા.’ત્યારબાદ ખૂબ ઝડપથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ક્ષત્રિય સમાજે આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. આ સાથે જ તેમણે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ભાજપે આ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો નહોતો. આ નિવેદન આપ્યાની 30 મિનિટમાં જ રૂપાલાનો માફી માગતો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મિટિંગમાં પણ માફી માગી હતી. છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહોતો. તેમની એક જ માગ રહી છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.