May 21, 2024
કલમ બની શકે કાતિલ…
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે 2014માં એઆઈ વિશે એક ચેતવણી આપી હતી. એ સમયે AIની ખૂબ ચર્ચા પણ નહોતી થતી. બલકે, સામાન્ય માનવીને એના વિશે કોઈ ખ્યાલ પણ નહોતો. એ સમયે હોકિંગે એક ચેતવણી આપી હતી.

તમારી સરળતા ખાતર અમે તેમના શબ્દોને ગુજરાતી ભાષામાં કહીશું. હોકિંગે કહ્યું હતું કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું એકદમ શરૂઆતનું સ્વરૂપ આપણી પાસે છે, એ ખૂબ ઉપયોગી પુરવાર થયું છે, પણ હું માનું છું કે AIના સંપૂર્ણ વિકાસથી માનવજાતનો અંત થઈ શકે છે. AI પોતાની રીતે જ ઉડાન ભરશે. પોતાની જાતને રીડિઝાઇન કરશે. માણસો AIનો સામનો ના કરી શકે. AI માણસોથી ચડિયાતું પુરવાર થશે.
હોકિંગની આ ભવિષ્યવાણી આજે સાચી પુરવાર થતી જોવા મળે છે. AIના કારણે આપણા સૌનું ભવિષ્ય જોખમમાં છે. કેમ કે, એના લીધે તમારો અવાજ છીનવાઈ શકે છે, તમારો ચહેરો અને શરીર પણ છીનવાઈ શકે છે અને હવે તમારા હેન્ડરાઇટિંગ પણ.

તમે અત્યાર સુધી અનેક ફિલ્મોમાં જોયું હશે કે રોબો દુનિયા પર કબજો કરી લે છે. આ વાત માત્ર ફિલ્મી રહી નથી, પણ ડરામણી હકીકત બની છે. AIના મિસયુઝથી આખી દુનિયાને ચિંતા છે. આજે અમે આવા જ એક મિસયુઝની વાત કરવાના છીએ.

તમે જે ફોટામાં આ કલમ જોઈ રહ્યા છો એ કાતિલ બની શકે છે. એનું કારણ એ છે કે આ કલમ તમારા હેન્ડરાઇટિંગની અદ્દલ નકલ કરે છે. એ રીતે નકલ કરે છે કે કોઈને ખ્યાલ જ ન આવે.
સૌથી પહેલાં અમે તમને જણાવીશું કે આ શોધ ક્યાં થઈ. આ શોધ કરનારાઓનું આ સરનામું જુઓ. તમે અબુ ધાબીની મોહમદ બિન ઝાયેદ યુનિવર્સિટી ઓફ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનાં કેમ્પસનાં દૃશ્યો જોઈ રહ્યાં છો. આ જ યુનિવર્સિટીના સંશોધકોએ એક એવી ટેક્નોલોજી વિકસાવી છે. જેને અમેરિકન પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસ દ્વારા પેટન્ટ આપવામાં આવી છે.
આ ટેક્નોલોજી કોઈના પણ હેન્ડરાઇટિંગની અદ્દલ નકલ કરી શકે છે. કેવી રીતે એ નકલ કરે છે એ પણ જાણવું જરૂરી છે. સૌપ્રથમ જે કોઈ વ્યક્તિના હેન્ડરાઇટિંગની નકલ કરવાની હોય તેનું લખાણ જરૂરી છે. એટલે આ ટેક્નોલોજી સૌથી પહેલાં સમજે છે કે લખનારી વ્યક્તિ જુદા-જુદા અક્ષરોને કેવી રીતે કનેક્ટ કરે છે. બે શબ્દો વચ્ચે કેટલી જગ્યા રાખવામાં આવે છે એના પર પણ ફોકસ હોય છે. જેના માટે કમ્પ્યુટર ન્યૂરલ નેટવર્કનો ઉપયોગ થાય છે. જેને વિઝન ટ્રાન્સફોર્મર્સ કહેવાય છે.
આ ટેક્નોલોજીના કેટલાક ફાયદા સંશોધકોએ જણાવ્યા છે. તેમનું કહેવું છે કે આ ટેક્નોલોજી અકસ્માત કે પેરાલિસિસનો ભોગ બનનારા લોકો માટે વરદાન છે. કેમ કે, તેમના પહેલાંના લખાણના આધારે એઆઈ નવું લખાણ જનરેટ કરી શકે છે. આ સંશોધકોએ તો એમ પણ કહ્યું છે કે એનાથી ડૉક્ટર્સના હેન્ડરાઇટિંગ ઉકેલવામાં પણ મદદ મળશે. કેમ કે, સામાન્ય લોકો ડૉક્ટર્સના હેન્ડરાઇટિંગ સરળતાથી ઉકેલી શકતા નથી.
આ તો થઈ ફાયદાની વાત પણ એના જોખમો પણ છે. આ સંશોધકો પોતે સ્વીકારે છે કે એનો મિસયુઝ થઈ શકે છે. કેમ કે, હેન્ડરાઇટિંગ એ વ્યક્તિની ઓળખ હોય છે. એટલે તમારી ઓળખની ચોરી કરવા માટે સાઇબર ક્રિમિનલ્સને વધુ એક હથિયાર મળી ગયું છે.
ઠગબાજો અત્યારે એઆઈ ટુલ્સનો ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યા છે. આ ઠગબાજો અવાજની નકલ કરીને ફ્રોડ કરે છે. સાથે જ એઆઈનો ઉપયોગ કરીને ખોટી તસવીરો અને વિડિયો પણ બનાવે છે. આતંકવાદીઓ પણ એઆઈનો મિસયુઝ કરી શકે છે. આવા તો અનેક જોખમો રહેલા છે. અમે અહીં AI દ્વારા હેન્ડરાઇટિંગની નકલના લીધે કયાં જોખમો રહેલા છે એ જણાવીશું.
સૌથી પહેલાં તો AI ટુલની મદદથી કોઈ પણ દસ્તાવેજ પર કોઈના પણ હસ્તાક્ષર કરાવી શકાય છે. એટલે ખોટા દસ્તાવેજો બનાવીને કોઈની પણ મિલકત પર કબજો થઈ શકે છે. આવા તો અનેક ગેરલાભ છે. એટલે તમારી સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ શકે છે.
આ AI ટુલના કારણે અદાલતોમાં કેસોનું પૂર આવી શકે છે. અપરાધીઓ કોઈના પણ હસ્તાક્ષરની નકલ કરીને ખોટું વસિયતનામું બનાવી લેશે. ખોટા કોન્ટ્રેક્ટ્સ અને બીજા દસ્તાવેજો બનાવશે. એટલે વિવાદો ચોક્કસ વધવાના છે,
AIના કારણે તમારી પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચી શકે. અપરાધીઓ તમારા હેન્ડરાઇટિંગની કોપી કરી શકે. તેઓ એવા લેટર લખી શકશે કે જેથી વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન થાય.
હવે, તમે જ કહો કે, છે ને આ ડરવા જેવી વાત. જો તમે પરિણીત હોય અને તમારા જ લખાણવાળો લેટર બીજી જ કોઈ મહિલાને મોકલાય. એની જાણ તમારી પત્નીને પણ કરવામાં આવે, એ પછી તમારી મેરિડ લાઇફમાં ભૂકંપ નક્કી જ છે. શું આવી સ્થિતિમાં તમે કોઈ રીતે ખુલાસો કરી શકશો? આ રીતે ખોટો મેસેજ પણ મોકલવામાં આવી શકે છે.
તમે જ કહો કે, આવા AI ટુલ પછી તમે કોઈના પણ લખાણ પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી શકશો? એટલે જ લખી રાખો કે, AIના કારણે હવે પછીનો સમય ખૂબ સાવધ રહેવાનો છે.