May 21, 2024
આગ લગાડનારાઓથી ચેતો
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

દેશમાં સોમવારનો દિવસ અગ્નિદેવતાના નામે રહ્યો. ભારતે આજે અગ્નિ-5 મિસાઇલનું પ્રથમ પરીક્ષણ કર્યું હતું. વળી, આજે જ પીએમ મોદીની સરકારે નાગરિકતા સુધારા કાયદાનો અમલ કર્યો. એટલે કે, વિરોધની અગ્નિને પ્રગટાવી. જેની શરૂઆત થઈ ગઈ છે. મમતા બેનર્જી કહેવા લાગ્યા કે, ભેદભાવ થશે તો તેઓ એનો વિરોધ કરશે. આ આગ લગાડનારાઓથી તમારે ચેતી જવાની જરૂર છે. સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે નાગરિકતા સુધારા કાયદા વિશે દેશમાં સ્પષ્ટતા ઓછી અને મૂંઝવણ વધારે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત બીજેપીના નેતાઓ સતત નાગરિકતા સુધારા કાયદાની વાત કરી રહ્યા છે.

2019માં બીજેપી સરકારે નાગરિકતા સુધારા કાયદો પસાર કર્યો હતો. સરકારે જેવો કાયદો પસાર કર્યો કે તરત જ દેશમાં વિરોધ શરૂ થઈ ગયો હતો. એને મુસ્લિમ વિરોધી કાયદો ગણાવવામાં આવ્યો. વાત હિન્દુ મુસ્લિમની કેમ આવી એ પણ સમજવા જેવું છે.

વાત નાગરિકતા સુધારા કાયદાની છે તો સૌથી પહેલાં નાગરિકતા વિશે સમજવું જરૂરી છે. ભારતના બંધારણ અનુસાર કેવી રીતે ભારતની નાગરિકતા મેળવી શકાય એ સમજીએ. તમે ભારતમાં જન્મથી, વંશ કે રજિસ્ટ્રેશનથી નાગરિકતા મેળવી શકો છો. હવે, નાગરિકતા સુધારા કાયદામાં કુદરતીકરણથી નાગરિકતાની વાત છે. કુદરતીકરણથી નાગરિકતાને સમજીએ. ભારત કોઈ પ્રદેશ પર નિયંત્રણ મેળવે તો ત્યાંના લોકો આપોઆપ ભારતના નાગરિકો થઈ જાય. કુદરતીકરણથી નાગરિકતાની બીજી પણ એક રીત છે. તમે ભારતમાં 11 વર્ષથી રહેતા હોય તો તમે આપોઆપ દેશના નાગરિક બની જાવ. હવે તમે કહેશો કે 11 વર્ષ પછી ભારતના નાગરિક બનાય તો એના પહેલાં દેશમાં કેવી રીતે રહેવાય? આપણા દેશમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકો ઘૂસણખોરી કરતા રહે છે. આવા લોકો પકડાય તો તેમને જેલમાં મોકલાય કે પછી તેમને તેમના દેશમાં પાછા મોકલી દેવાય છે. બીજી પણ એક રીત છે, જેમ કે, વિદેશોમાંથી કોઈ વ્યક્તિ છ મહિનાના ટુરિસ્ટ વિઝા પર રહેતી હોય અને એ પછી તે અહીં જ રહી જાય. આવા કેસોમાં 11 વર્ષ સુધી રહેનારી વ્યક્તિને જો તેના દેશમાં ન મોકલાય તો ભારત તેને નાગરિકતા આપે છે,

હવે, નવા કાયદામાં આ સમયગાળો ઘટાડીને પાંચ વર્ષ કરવામાં આવ્યો. એટલે હવે અહીં ફરી ગેરસમજ થઈ શકે છે કે આ રીતે દેશમાં પાંચ વર્ષ સુધી ગેરકાયદે રહેનારી કોઈ પણ ભારતના નાગરિક બની જાય. એટલે જ અહીં ખુલાસો કરવો જરૂરી થઈ જાય છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં આવનારા માત્ર હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી કે ખ્રિસ્તી ધર્મના લોકોને જ ભારતની નાગરિકતા મળી શકે છે. એટલે કે આ ત્રણ દેશોના લોકો કોઈ રીતે ભારતમાં આવી જાય. એ પછી તેઓ દેશના કોઈ ખુણામાં રહે કે પછી ભારતની જેલમાં, તો તેમણે ભારતના નાગરિક બનવા માટે 11 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી, પણ હવે તેમને માત્ર પાંચ વર્ષમાં નાગરિકતા મળી શકશે.

હવે, તમને સવાલ થશે કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં આવનારા માત્ર હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી કે ખ્રિસ્તી ધર્મના લોકોને જ શા માટે ભારતની નાગરિકતા આપવા માટે આ કાયદો લાવવામાં આવ્યો? એનો જવાબ એ છે કે તમે અવારનવાર સમાચારોમાં જોતા અને વાચતા હશો કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં હિન્દુઓ, બૌદ્ધ ધર્મના લોકો પર અત્યાચારો થાય છે. હિન્દુ બાળકીઓ અને મહિલાઓનું અપહરણ કરીને તેમનું ધર્મપરિવર્તન કરવામાં આવે છે. હિન્દુ મંદિરોને તોડવામાં આવે છે. આ મંદિરોને તોડીને મસ્જિદ બનાવી દેવામાં આવે છે.

હિન્દુઓની દુકાનો અને ઘરોને પણ તોડવામાં આવે છે. આવા અત્યાચારોથી બચવા માટે જ આ છ ધર્મના લોકો આપણા પાડોશી દેશોમાંથી ભાગીને ભારતમાં આવે છે. એટલે જ આ દેશોમાંથી મુસ્લિમો જ્યારે ઘૂસણખોરી કરીને આવે છે ત્યારે તેમને નાગરિકતા આપવાનો સવાલ જ નથી, કેમ કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આખરે મુસ્લિમ દેશો જ છે. એટલે જ આ કાયદાની જોગવાઈઓની હકીકતને તોડીમરોડીને રજૂ કરવામાં આવી. કેટલાક મુસ્લિમ નેતાઓ અને તેમનું તુષ્ટિકરણ કરી રહેલા વિરોધ પક્ષોના નેતાઓ એમ કહેવા લાગ્યા કે દેશના મુસલમાનોની સાથે ભેદભાવ છે. આ કાયદો મુસલમાનોની વિરુદ્ધ હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો.
બીજી તરફ બીજેપીએ આરોપ મૂક્યો કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર અને ઝારખંડમાં ગઠબંધન સરકાર ઇરાદાપૂર્વક બાંગ્લાદેશમાંથી મુસલમાનોની ઘૂસણખોરી કરાવે છે.

જેથી તેઓ તેમની વોટબેંકને વધારી શકે. સવાલ એ છે કે આ તમામ જોગવાઈઓમાં ભારતના મુસ્લિમ નાગરિકોની નાગરિકતા કેવી રીતે જોખમાય?
એ વાત અલગ છે કે ભારતમાં રહેતા મુસ્લિમ ઘૂસણખોરો સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે છે, પણ વાત દેશના મુસલમાનોની છે તો તેમની નાગરિકતા સામે કોઈ જાતનું જોખમ નથી. આમ છતાં વિરોધ થાય છે, તો એના કારણો રાજકીય હોય શકે છે. મુસલમાનો સિવાય દેશમાં આ કાયદાને લઈને પૂર્વોત્તર રાજ્યો તરફથી પણ વિરોધ થયો છે. આ રાજ્યોએ કહ્યું કે અમે બીજા દેશોના લોકોને અમારે ત્યાં રાખવા ઇચ્છતા નથી, પછી ભલેને તેમનો ધર્મ ગમે તે હોય. આ રાજ્યોમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ખૂબ વિરોધ થયો. એટલે સરકારે છઠ્ઠી અનુસૂચિ સામેલ કરી. એ મુજબ આ કાયદો આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના આદિવાસી વિસ્તારોમાં લાગુ નહીં થાય. આ રીતે સરકાર સતત ફેરફારો કરી રહી છે. સરકારે જોગવાઈઓ બનાવી કે કોને નાગરિકતા અપાય અને કોને નહીં.
વિપક્ષના નેતાઓ આ કાયદાનો વિરોધ કરે છે. એટલે જ 2019માં જે રીતે નાગરિકતા સુધારા કાયદાની વિરુદ્ધ વિરોધની આગ ફેલાઈ હતી, એવી જ આગને ફેલાવવાની હવે કોશિશ થઈ રહી છે.

અમે મુસલમાનોને પણ કહેવા માગીએ છીએ કે જો તમે આ દેશના નાગરિકો છો તો તમારી નાગરિકતા સામે કોઈ જ જોખમ નથી. એટલે ગેરમાર્ગે દોરાવાની કોઈ જ જરૂર નથી. તમને કોઈ ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે તો તમારે શું જવાબ આપવાનો છે એનો નિર્ણય હવે તમારે કરવાનો છે. અમને ખાતરી છે કે તમારા માટે પણ દેશહિત જ સર્વોપરી છે અને દેશના હિત માટે સાંપ્રદાયિક સૌહાર્દ જરૂરી છે.