May 21, 2024
મરજી નહીં ફરજ છે
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

CAAની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. CAA એટલે કે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ. જેને ગુજરાતીમાં આપણે નાગરિકતા સુધારા કાયદો કહીએ છીએ. કાયદામાં નાગરિકતા મામલે સુધારા કરાયા છે, પણ લાગે છે કે દેશના કેટલાક નેતાઓએ તેમની માનસિકતામાં સુધારો કરવાની જરૂર છે. આ કાયદો દેશના હિતમાં છે. આ કાયદાથી દેશના કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવાઈ જવાની નથી. આ વાત ગળે ઉતરી ગઈ છે, પણ લોકસભાની ચૂંટણી નજીક છે એટલે વિરોધ તો કરવો જ પડે. માહોલ તો બનાવવો જ પડે. એટલે ખોટા મુદ્દા ઉઠાવવા પડે. કેટલાક વિરોધ પક્ષો આ જ કામ કરી રહ્યા હોય એવો બીજેપીનો આરોપ છે.

કેન્દ્ર સરકારે આ કાયદાના અમલ માટેના નિયમો જાહેર કરી દીધા છે. પશ્ચિમ બંગાળ, કેરળ અને તામિલનાડુની રાજ્ય સરકારો જાહેર કર્યું છે કે, તેઓ આ કાયદાનો અમલ નહીં જ કરે. તેમનું કહેવું છે કે, CAA ભારતના લોકોની વિરુદ્ધ છે. હવે, તમને આ કાયદાના બેઝિક નિયમની વાત કરીએ તો એમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં ગેરકાયદે રહેતા બિન મુસ્લિમ લોકોને નાગરિકતા આપવાની વાત છે. અમે પહેલાં જ કહ્યું એમ કોઈની નાગરિકતા છીનવાઈ જવાની નથી. એટલે આ કાયદો કેવી રીતે ભારતના લોકોની વિરુદ્ધ છે એ વાત આ રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમજાવવી જોઈએ. માત્ર આરોપ મૂકવાથી નહીં ચાલે. સમજાવવાની વાત છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ રાજ્ય સરકારોને જ સમજાવી રહ્યા છે કે, CAA વિશે ગેરસમજ ન ફેલાવો.

અમિત શાહે સ્પષ્ટ જણાવ્યું કે, ખડગે, ઓવૈસી જેવા નેતાઓ CAA વિશે ખોટું બોલી રહ્યા છે.

તમને યાદ હશે કે, 2019માં આ કાયદો લાવવામાં આવ્યો હતો ત્યારે દેશભરમાં વિરોધ થયો હતો. દેશના મુસલમાનોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનો બીજેપીએ આરોપ પણ મૂક્યો હતો. એવી આશંકા હતી કે, આ કાયદાનો અમલ શરૂ થશે એટલે ફરી વિરોધ થશે. એવું થયું નથી. આ કાયદાનો અમલ થતાં દિલ્હી, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામમાં થોડોઘણો વિરોધ જરૂર થયો હતો. એકંદરે તો માહોલ શાંત રહ્યો. અલબત્ત વિરોધ પક્ષોના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે હોય કે અસદુદ્દિન ઓવૈસી, તમામે વિરોધ કર્યો. બીજેપીએ આરોપ પણ મૂક્યો કે, આ નેતાઓ દેશના મુસલમાનોને ગેરમાર્ગે દોરીને દેશમાં અશાંતિ ફેલાવવા ઇચ્છે છે. દેશમાં મુસલમાનો સહિત તમામ લોકો સમજી ચૂક્યા છે કે, આ તો રાજનીતિ થઈ રહી છે. એટલે જ અત્યારે દેશમાં સામાન્ય લોકો આ વિરોધ પ્રદર્શનથી દૂર જ રહ્યા છે. બીજેપીનો આરોપ છે કે, ઇચ્છા મુજબ વિરોધની આગ ન સળગી તો આ નેતાઓ અકળાઈ ગયા છે. એટલે જ પશ્ચિમ બંગાળમાં મમતાદીદીએ, તામિલનાડુમાં સ્ટાલિને અને કેરળમાં ડાબેરીઓએ આ કાયદાનો અમલ કરવાની ના પાડી છે.

શું ખરેખર મુખ્યમંત્રી ઇચ્છે એ કરી શકે? બિલકુલ નહીં. આપણે બંધારણનાં પાનાં જોવાં પડે. બંધારણમાં કયા મામલા કેન્દ્ર સરકારને હસ્તક અને કયા મામલા રાજ્ય સરકારને હસ્તક એનો ઉલ્લેખ છે. વાત નાગરિકતાની છે તો એ મામલો કેન્દ્ર સરકારને હસ્તક છે. રાજ્ય સરકારોના અધિકારોના લિસ્ટમાં એ મામલો જ નથી. એટલે રાજ્યોની મરજી એમાં ના ચાલે. કાયદાનો અમલ કરવાની તેમની ફરજ છે. બંધારણના સાતમાં શેડ્યૂલમાં યુનિયન લિસ્ટ હેઠળ CAAનો અમલ થઈ રહ્યો છે. હવે, કેન્દ્ર સરકાર હસ્તક કયા મામલા છે એ અમે તમને જણાવીશું.

કેન્દ્ર સરકાર હસ્તક 97 મામલા છે. જેમાં સંરક્ષણ, વિદેશો સાથેના સંબંધો, રેલવે અને નાગરિકતા પણ સામેલ છે.
એટલે જ બંધારણ મુજબ પશ્ચિમ બંગાળ, કેરળ અને તામિલનાડુ CAAના અમલ માટે ના પાડી રહ્યા છે તો એમની વાત ખોટી છે. બલકે, અમલ કર્યા સિવાય આ રાજ્યોની પાસે કોઈ છૂટકો જ નથી. જો રાજ્ય સરકારોને એમ લાગતું હોય કે, આ કાયદાથી તેમના રાજ્યના નાગરિકોના બંધારણીય અધિકારોનો ભંગ થાય છે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં પહેલાંથી જ CAAની વિરુદ્ધ લગભગ 220 અરજીઓ છે.

CAA વિરુદ્ધ કેરળની ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, તૃણમુલ કોંગ્રેસના એમપી મહુઆ મોઇત્રા, કોંગ્રેસ લીડર જયરામ રમેશ, AIMIMના લીડર અસદુદ્દિન ઓવૈસી, એનજીઓ રિહાઈ મંચ, સિટીઝન્સ અગેઇન્સ્ટ હેટ, આસામ એડ્વોકેટ્સ એસોસિએશન અને કેરળ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તેમની અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

રાજ્ય સરકારની પાસે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાને રદ કરવાનો અધિકાર જ નથી. કેન્દ્ર સરકાર ઇચ્છે તો જ રાજ્ય સરકારો નાગરિકતાને સંબંધિત કાયદામાં સુધારા કરી શકે કે એને પોતાના રાજ્યમાં રદ કરી શકે. CAAના મામલે કેન્દ્ર સરકાર રાજ્યોને આવો કોઈ જ અધિકાર આપવાની નથી. કેન્દ્ર સરકારના વિરોધી અને સીનિયર વકીલ કપિલ સિબલ CAAનો વિરોધ કરે છે, પણ તેમણે રાજ્ય સરકારો માટે એક વાત કહી છે.

સિબલે સ્પષ્ટ કહ્યું છે કે, અમે CAAનો અમલ નહીં કરીએ એમ કોઈ પણ રાજ્ય ના કહી શકે. સિબલનું સ્પષ્ટ માનવું છે કે, એ ગેરબંધારણીય છે. મમતા, ડાબેરી નેતાઓ અને સ્ટાલિન ભલે અમિત શાહની વાત ના માને, પરંતુ તેમણે સિબલની વાત તો માનવી જ રહી.

CAAનો દેશમાંથી જ વિરોધ થયો એમ પણ નથી. પોતાની જાતને જગતજમાદાર ગણતા અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રે પણ આ મામલે માગ્યા વિના અભિપ્રાય આપી દીધા છે. સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારો માટેના હાઈ કમિશનરની ઓફિસે સત્તાવાર રીતે કહ્યું છે કે, CAA મૂળભૂત રીતે ભેદભાવ કરે છે. એનાથી માનવ અધિકારોના અમલ માટેની ભારતની ફરજોનો ભંગ થાય છે.

અમેરિકાએ પણ વાંધો ઉઠાવ્યો. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, અમને CAAના નોટિફિકેશનથી ચિંતા છે. આ કાયદાનો કેવી રીતે અમલ થશે એના પર અમે નજર રાખીશું.
આ પ્રવક્તાએ ભારતને ધાર્મિક સ્વતંત્રતા પ્રત્યે સન્માનની સલાહ પણ આપી દીધી. આમ પણ અમેરિકાને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાની ખોટી આદત છે.

આવી સલાહ આપવાનું કારણ વિદેશી મીડિયા દ્વારા ભારત વિરોધી કવરેજ છે. જેમ કે, અલ-ઝઝીરાએ સવાલ ઉઠાવ્યો છે કે, શા માટે CAA ખૂબ વિવાદાસ્પદ છે? BBCએ લખ્યું છે કે, મુસલમાનોને બાકાત રાખતા માઇગ્રન્ટ કાયદાનો ભારત અમલ કરશે. કાયદાનો અમલ થશે એ વાત લખી શકાય, પણ મુખ્ય હેડિંગમાં મુસલમાનોને બાકાત રાખતો એમ ચોક્કસ શબ્દો લખવા પાછળ કયો ઇરાદો હતો?

આવા ભારત વિરોધી પ્રચારનો કેન્દ્ર સરકાર જવાબ પણ આપે છે. ભારત સરકારે ચોખ્ખી વાત કરી છે કે, આ કાયદો મુસ્લિમ વિરોધી નથી. મૂળ હેતુ તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ દેશોમાં બિન મુસલમાનોને મુશ્કેલીઓથી બચાવવાનો જ છે.

જમાતના અધ્યક્ષ મૌલાના શહાબુદ્દિન રાઝવી બરેલવી આ વાત સમજ્યા છે. એટલે જ તેઓ CAAને સપોર્ટ આપી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, હું આ કાયદાને આવકારું છું. આ કાયદાના સંબંધમાં મુસલમાનોમાં ઘણી ગેરસમજ છે. દેશના મુસલમાનોની સાથે આ કાયદાનો કોઈ સંબંધ નથી.

દેશના મુસલમાનોએ પણ શહાબુદ્દિન સાહેબની વાત સાંભળવી રહી. એક તો ગેરસમજ હોય છે અને બીજું કાવતરું હોય છે. વાત CAAની છે તો એના વિશે દેશમાં કેટલાક ચોક્કસ નેતાઓ ગેરસમજ ફેલાવીને મુસલમાનોને ઉશ્કેરવાનું કાવતરું રચી રહ્યા છે. આવા કાવતરાંથી દેશના તમામ લોકોએ ચેતી જવાની જરૂર છે.