May 20, 2024

Air India Expressનું મોટું પગલું, ‘સિક લીવ’ પર ગયેલા કર્મચારીઓને કર્યા છુટ્ટા

અમદાવાદ: એર ઈન્ડિયા એક્સપ્રેસે કોઈપણ સૂચના વિના ‘બીમારી’નું કારણ આપીને રજા પર ગયેલા કર્મચારીઓને સામૂહિક રીતે કાઢી મૂક્યા છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસના 100 થી વધુ કેબિન ક્રૂ સભ્યોએ અચાનક ‘સિક લીવ’ કરીને રજા લઈ લીધી હતી. જેના કારણે એરલાઈને મંગળવાર રાતથી તેની 90 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી. જેના કારણે હજારો મુસાફરો પરેશાન થયા છે.

મહત્વનું છે કે, એર ઈન્ડિયા એક્સપ્રેસની HR નીતિમાં થયેલા ફેરફારોના વિરોધમાં વરિષ્ઠ કેબિન ક્રૂ સભ્યોનું એક જૂથ રજા પર ઉતરી ગયું હતું. એર ઈન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટ મર્જ થવા માટે તૈયાર છે. આ વિસ્તરણને ધ્યાનમાં રાખીને એરલાઈને હવે કેબિન ક્રૂની ભરતી કરવાનું શરૂ કર્યું છે. કેટલાક કેબિન ક્રૂ તેને લઈને નારાજ છે.

નિયમોનું ઉલ્લંઘન કરીને રજા લેવામાં આવી: એર ઈન્ડિયા એક્સપ્રેસ
એક અહેવાલ મુજબ રજા પર જઈ રહેલા કેબિન ક્રૂ મેમ્બર્સને ઈમેલ દ્વારા તેમને છુટ્ટા કર્યા વિશેની જાણ કરવામાં આવી છે. એરલાઈને ઈમેલમાં કહ્યું છે કે ક્રૂ મેમ્બર કોઈ કારણ વગર જાણીજોઈને ગેરહાજર રહ્યા હતા. તેની ગેરહાજરી પાછળ કોઈ ચોક્કસ કારણ હોય તેવું લાગતું નથી. મોટા પાયે માંદગીની રજા લેવી એ નિયમોનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો: શિવાજી પાર્કમાં રાજ ઠાકરે અને PM મોદી એક મંચ પર જોવા મળશે

એક સાથે ઘણા ક્રૂ મેમ્બર બીમાર પડ્યા
એરલાઈને વધુમાં જણાવ્યું કે, ક્રૂ મેમ્બર્સની રોસ્ટર મંગળવારે જ નક્કી કરવામાં આવી હતી. જો કે, છેલ્લી ક્ષણે એમણે શિડ્યુલિંગ ટીમને કહ્યું કે, તેઓ બીમાર છો અને રજા લીધી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “એવું જોવામાં આવ્યું છે કે તે જ સમયે મોટી સંખ્યામાં અન્ય કેબિન ક્રૂ મેમ્બર્સ પણ બીમાર હતા અને તેમણે ડ્યુટી માટે રિપોર્ટ કર્યો ન હતો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈ પણ માન્ય કારણ વગર આયોજિત ગેરહાજરી હતી.”

એર ઈન્ડિયા એક્સપ્રેસે કહ્યું કે, “કેબિન ક્રૂ રજા પર જવાના કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી છે. જેના કારણે સમગ્ર શેડ્યૂલ ખોરવાઈ ગયું છે, જે અમારા મુસાફરો માટે મોટી સમસ્યા તરીકે ઉભરી આવ્યું છે.”