કિન્નરોના બે જૂથનો એકબીજા પર જીવલેણ હુમલો; ઘઉં ઉઘરાવવાને લઈને માથાકૂટ
ગાંધીનગરઃ શહેરમાં ગઈકાલે રાતે કિન્નરોના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં બંને જૂથોએ એકબીજા પર જીવલેણ હુમલો કર્યો હતો. તમામ ઇજાગ્રસ્ત કિન્નરોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ત્યારે કિન્નરોએ સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારે કિન્નરોએ સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને મોટી સંખ્યામાં કિન્નરો ઉમટી પડ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના કશિષ માસી, ભાવના માસી તેમજ મોટા ચિલોડાના ચકુ માસી વચ્ચે બબાલ થઈ હતી. તમામ કિન્નરો વચ્ચે ઘઉં ઉઘરાવવા માટે માથાકૂટ થઈ હતી. ચકુ માસીએ વર્ષો પહેલાં રીંગ રોડથી માંડીને પ્રાંતિજ સુધીનો વિસ્તાર 9 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ખરીદી કર્યાનો દસ્તાવેજ પણ સાચવી રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આ વિસ્તાર 18 લાખમાં અન્ય વ્યક્તિને વેચી નાંખ્યો હતો.
આ પણ વાંચોઃ 1951ની લોકસભા ચૂંટણીઃ કચ્છ-સૌરાષ્ટ્ર અને બોમ્બે રાજ્યોમાં કઈ બેઠક પર કોણ જીત્યું?
ત્યારે ગાંધીનગરના મોટા ચિલોડામાં કિન્નરો એકઠાં થયા હતા. જ્યાં તેમની વચ્ચે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. ઘઉં ઉઘરાવવાને લઈને કિન્નરો વચ્ચે માથાકૂટ ઉગ્ર બની હતી અને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સામસામે છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. જેમાં 3થી 4 જેટલા કિન્નરો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આ તમામ ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ફરીવાર બંને ગ્રુપ વચ્ચે બબાલ ન થાય તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ગાંધીનગર સિવિલમાં મોટી સંખ્યામાં કિન્નરો ઉમટી પડ્યાં હતા. હાલ પોલીસે જીવલેણ હુમલો કરનારા કિન્નરોની અટકાયત કરી છે.
આ પણ વાંચોઃ મદનપુર ગ્રામ પંચાયતને લઈને ફરી વિવાદ, ભુજ-નલિયા હાઇવે ચક્કાજામ કર્યો
ભૂતકાળમાં થયું હતું કિન્નરનું મર્ડર
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અમદાવાદમાં સોનિયા દે અને સંજુ દે કિન્નરોના જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં બંને પક્ષ વચ્ચે પોતપોતાની હદને લઈને ઘણાં સમયથી માથાકૂટ ચાલતી હતી. જો કે, માથાકૂટ દરમિયાન બંને વચ્ચે અવારનવાર ગેંગવોરની ઘટના પણ બનતી હતી. અંતે સંજુ દે ગેંગે લાલ દરવાજા વિસ્તારમાં સોનિયા દેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.