November 22, 2024

હવામાન વિભાગની આગાહી – હાલ હિટવેવની શક્યતા નહિવત્

ફાઇલ

અમદાવાદઃ રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. તેમ તેમ ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. તો બીજી તરફ, રાજ્યભરમાં ઝાડા-ઉલટી, હિટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસમાં પણ વધારો થયો છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ આગાહી કરતા જણાવે છે કે, ‘હાલ હિટવેવની શક્યતા નહીવત્ છે. આગામી દિવસોમાં એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે. જ્યારે એપ્રિલ મહિનામાં તાપમાન સામાન્ય રહેશે. એપ્રિલના પ્રથમ અઠવાડિયું તાપમાન સામાન્યથી નીચું રહેશે. ત્યારબાદ માત્ર સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતા ઉંચું રહેશે.’

આ પણ વાંચોઃ 1951-52ની લોકસભા ચૂંટણીઃ કચ્છ-સૌરાષ્ટ્ર અને બોમ્બે રાજ્યોમાં કઈ બેઠક પર કોણ જીત્યું?

તેઓ આગળ જણાવે છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે. સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે.

આ પણ વાંચોઃ ગરમી વઘતા ઝાડા-ઉલ્ટી, હિટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસમાં વધારો

હિટ સ્ટ્રોક-લૂ લાગવાના કેસમાં વધારો
ગરમીનો પારો વધતા ઝાડા-ઉલટીનાં કેસમાં 23%નો વધારો નોંધાયો છે. જ્યારે હિટ સ્ટ્રોકના કેસમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે હિટ સ્ટ્રોકથી લઈને ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો નોંધાયો છે. ગત માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના 5009 કેસો સામે આવ્યા હતા. જે વધીને માર્ચ 2024 માં 6176 કેસ નોંધાયા છે. બીજી તરફ લૂ લાગવાના કેસમાં પણ આંશિક વધારો જોવા મળ્યો છે. તેના કેસ વધીને 11.11 ટકાએ પહોંચ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી 15 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.