May 11, 2024

જામનગરમાં મહિલા કોર્પોરેટરના પતિએ સીટી એન્જિનિયર પાસે ખંડણી માંગી

સંજય વાઘેલા, જામનગર: જામનગરમાં મહિલા કોર્પોરેટરના પતિએ JMCના સીટી એન્જિનિયર પાસે ખંડણી માંગી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા મનપાની લોબીમાં ખળભળાટ મચી ગયો છે. ફાયલ ક્લિયરિંગ બાબતે ધમકી આપી હોવાની રાવ ઉઠી છે. ‘હું પુર્વ કોર્પોરેટર છુ અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે. નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે. તેવી દાટી મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

આ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર, જામનગર મહાનગરપાલિકામાં સીટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ભાવેશ નટવરલાલ જાની (ઉ.વ.50 ધંધો નોકરી રહે. પટેલ કોલોની,શેરી નં-10 રોડ-3 શ્યામકૃટીર ટેનામેન્ટ બ્લોક નં-28) પોતાના ફરજના ભાગરૂપે મનપા કચેરીએ હતા. આ દરમિયાન તેજશી ઉર્ફે દિપુ પારીયા પોતે ભાવેશની ચેમ્બરમાં ઘસી આવ્યા હતા. આ વેળાએ ચેમ્બરમાં જઇ વોર્ડ નં-7 ની ઇમ્પેકટ ફી ની ફાઇલ કલીરીંગ કરી આપવાની ધાક-ધમકી આપી હતી.

આ પણ વાંચો: ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024માં ગુજરાત પોલીસે ગોલ્ડ જીત્યો

એટલું જ નહીં બેફામ બનીને દિપુ પારીયાએ કહ્યું હતું કે, હુ પૂર્વ કોર્પોરેટર છૂં અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર તરીકે સેવા આપે છે. જો તમારે જામનગર મહાનગર પાલિકામાં સારી રીતે નોકરી કરવી હોય તો દર મહિને રૂપિયા આપવા પડશે. અને નાની મોટી રકમ નહિ પરંતુ એક લાખનો હપ્તો (ખંડણી ) આપવો પડશે. તેવી ખુલ્લેઆમ ધમકી મારી હતી.

હદ તો ત્યારે થઈ ગઈ કે તેઓએ ઉશ્કેરાયેલા સ્વભાવે ભાવેશ જાનીનો શર્ટનો કાઠલો પકડીને એવું પણ કહી દીધું હતું કે જેમ સિનિયર વકીલ હારૂન પલેજાનું ખુન થયેલ છે તેમ તમારૂ પણ ખુન કરાવી નાખવાની અને ખોટા એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરાવી દેવાની ધાક-ધમકીઓ આપી હતી. વધુમાં બેફામ ગાળો બોલી બળજબરીથી પૈસા પડાવવાની કોશીશ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. જેને લઈને સમગ્ર મામલે હાલ જામનગરમાં હડકંપ મચી ગયો છે.